વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ મહિલા કે પુરુષ દાઝી જાય અને એવા કેસ હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પ્રથમ સારવાર કઈ રીતે આપવી, ચહેરા જેવા દાઝેલા ભાગ પર કોસ્મેટિક સર્જરી કઈ રીતે કરવી તે અંગે નિષ્ણાંત સર્જનો દ્વારા માહિતી માર્ગદર્શન સાથે પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારના ઉદેશ્ય અંગે સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ (SSRCN)ના એકેડેમિક એડવાયઝર મેજર જનરલ ટી. કે. ભુટીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. અહીંના અનેક ઉદ્યોગોમાં અવારનવાર બનતી ફાયરની ઘટનામાં કર્મચારીઓ દાઝી જતા હોય છે. એ ઉપરાંત શિયાળામાં તાપણું કરવામાં પણ લોકો દાઝી જતા હોવાના કેસમાં વધારો થાય છે.
ત્યારે આ પ્રકારના ફાયર બર્ન કે એસિડ બર્નના કેસમાં દર્દીને કઈ રીતે સારવાર આપવી તે અંગે નિષ્ણાંત સર્જનો સાથે પેનલ ડિસ્કશન રાખવામાં આવ્યું હતું. આ 2 દિવસીય કોન્ફરન્સમાં સગર્ભા મહિલાઓ જ્યારે દાઝી ગઈ હોય ત્યારે તેની ડિલિવરી વખતે કેટલી કાળજી રાખવી બાળકને કઈ રીતે બચાવવું તે અંગે નર્સિંગના વિદ્યાર્થીઓ ને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ફાયર બર્નની કે એસિડ બર્ન ની ઘટનામાં મહિલાઓએ ખૂબ જ સહન કરવું પડે છે. કેમ કે દાઝેલી મહિલાઓ સાથે જલ્દી કોઈ લગ્ન કરવા તૈયાર થતા નથી. ત્યારે આવી મહિલાઓની કોસ્મેટિક સર્જરી તેઓ માટે કેટલી ઉપયોગી નીવડે છે. આ સર્જરી કઈ રીતે પીડિત મહિલાઓને નવું જીવન આપી શકે છે. તે અંગે દેશના જાણીતા પ્લાસ્ટિક, કોસ્મેટિક્સ સર્જન દ્વારા પેનલ ડિસ્કશન અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ મહત્વની જાણકારી મેળવી હતી.