કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બુધવારે એક સામટા 17 કોરોનાનાં કેસ આવતા ફફડાટ ફેલાયો છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને તાત્કાલિક એક આદેશ બહાર પાડી દમણની 1 થી 8 સુધીની તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી શાળાને બંધ કરવામાં આવી છે. અને જ્યાં સુધી નવો આદેશ ના થયા ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે તેવી સૂચના અપાઈ છે.
દેશભરમાં ફરી એકવાર કોરોના ના અને ઑમીક્રોનના કેસ વધી રહ્યા છે. સંઘપ્રદેશ દમણમાં પણ બુધવારે 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 20 પર પહોંચ્યો છે. ત્યારે કોરોના કેસમાં અચાનક આવેલા ઉછાળા બાદ પ્રશાસન પણ સફાળું જાગ્યું છે.

પ્રશાસને બુધવારે નવો આદેશ બહાર પાડ્યો હતો. જે મુજબ ગુરુવાર 6 જાન્યુઆરીથી દમણની તમામ સરકારી / અર્ધ સરકારી / ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઓફલાઇન અભ્યાસક્રમ બંધ કરવામાં આવે. પ્રશાસને શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્યોને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી નવો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર COVID-19 ના કેસ વધવાના કારણે તારીખ 06/01/2022 ને ગુરુવારના રોજથી નવો આદેશ થાય નહિ ત્યાં સુધી ધોરણ 1 થી 8 ના ઓફ લાઈન વર્ગોને બદલે ઓનલાઈન વર્ગો શરૂ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો. આ અંગે દરેક વિદ્યાર્થીઓને ફોન અથવા મેસેજ દ્વારા શાળા બંધ રહેશે તેની જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.