Thursday, October 17News That Matters

3800 કરોડના બંદર નિર્માણ પ્રોજેકટ બાબતે નારગોલ ગામની સામાન્ય સભામાં બંદરનો વિરોધ

વલસાડ :-  વર્ષોથી વિરોધના સુરમાં ગુંચવાયેલ નારગોલ દરિયા કિનારે નિર્માણ થનાર કાર્ગો પોર્ટ ને ગુજરાત સરકારે મંજૂરી આપી હોવાની અને 3800 કરોડના ખર્ચે પોર્ટ નિર્માણ થવાની વિજય રૂપાણીની જાહેરાત બાદ 29મી જૂને વલસાડ જિલ્લાના નારગોલ ગામે યોજાયેલ ગ્રામસભામાં બંદરનો વિરોધ કરતો ઠરાવ પસાર કરતા બંદરને લઈને ઉત્સાહમાં આવેલા રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે.
વલસાડ જિલ્લાના નારગોલ બંદર ખાતે મંગળવારે સરકાર ગ્રામ પંચાયતની મળેલી સામાન્ય સભામાં બંદર સામે કેટલાક મુદ્દાઓ ઉપર ઉપસરપંચ સ્વીટી ભંડારીએ પંચાયતનું ધ્યાન દોરી બંદરનો વિરોધ દર્શાવતા પંચાયતની બોડીએ સર્વસંમતિથી બંદરનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો છે.
આપને જણાવી દઈએ કે છેલ્લા 20 વર્ષથી ઉમરગામ તાલુકામાં નારગોલ ખાતે બંદર નિર્માણ અંગે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેનો સ્થાનિક માછીમારો અને ખેડૂતો બંદરના કારણે થનારા સંભવિત નુકશાનને ધ્યાનમાં રાખી વિરોધ કરતા આવ્યાં છે.
2016 માં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદર નિર્માણ અંગે તડગામ ગામે લોક સુનાવણી રાખી બંદર અંગે સ્થાનિક લોકોના અભિપ્રાય માંગ્યા હતા. તે સમયે સ્થાનિક આગેવાનો અને પ્રજાએ  પ્રચંડ વિરોધ નોંધાવતાં કાર્ગો પોર્ટ અને ઇઝરાઈલ પોર્ટ લિમિટેડ કંપની દ્વારા પી.પી.પી. પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર પોર્ટ પ્રોજેકટ સ્થગિત થયો હતો. ત્યારથી પોર્ટ બનશે કે નહીં તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા હતા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 3800 કરોડના ખર્ચે નારગોલ પોર્ટ પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાની જાહેરાત કરતાં ફરી એક વખત નારગોલ બંદર વિકાસને લઈ અનેક અટકળો જોવા મળી રહી છે.
સરકારની હિલચાલ બાદ મંગળવારે નારગોલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ કાંતિલાલ કોટવાલના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં પંચાયતના મહિલા સભ્ય તેમજ ઉપસરપંચ સ્વીટી ભંડારીએ બંદરનો મુદ્દો ઊચકી બંદર ના કારણે સ્થાનિક માછીમારો, ખેડૂતો તેમજ રહીશોને નુકસાન થવાની સંભાવના હોય તો નારગોલ ગામે બંદર જોઈતું નથી તેવી રજૂઆત કરતાં પંચાયતના ઉપસ્થિત સભ્યો અને સરપંચે સર્વાનુમતે નારગોલ પોર્ટ પ્રોજેકટ સામે વિરોધ નોંધાવતો ઠરાવ પસાર કર્યો છે.
પંચાયતના સભ્યો અને ગામલોકોએ નારગોલ ગામનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તેવી રજૂઆત સરકારને કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં પણ અનેક ઠરાવો કરી પંચાયત દ્વારા નારગોલ પોર્ટ પ્રોજેકટ સામે વિરોધ નોંધવ્યો છે. સરપંચ કાંતિલાલ કોટવાલના જણાવ્યા મુજબ સરકાર નારગોલ પોર્ટ પ્રોજેકટની જાહેરાત કરી રહી છે પરંતુ નારગોલ ગામની પંચાયત અને પ્રજાને પોર્ટ અંગે સહેજ પણ માહિતી નથી. સરકાર કેવી રીતે આ પ્રોજેકટને સાર્થક કરવામાં માંગે છે ? ક્યાં વાહન માર્ગ અને રેલ માર્ગ બનશે ? નુકસાની અને ફાયદા શું ? તે અંગે પંચાયતને અજાણ રાખવામા આવી રહી છે.
ગામને સંકટમાં નાખી બંદરનો વિકાસ કરવામાં આવશે તો ફરી નારગોલ ગામ અને આજુબાજુના લોકો બંદર સામે વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં ખચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે બંદરના વિરોધ અંગે આ પહેલા આંદોલન પણ થઈ ચૂક્યા છે. તો ઉમરગામના ધારાસભ્ય દર વખતે ચૂંટણીમાં આ મુદ્દાને આગળ ધરી ખોબલે ખોબલે મત મેળવતા રહ્યા છે. હવે એ જ વિરોધ કરનારા સરકાર સાથે એક પાટલે બેસી ગયા છે. અન્ય કેટલાકે વળી પોર્ટમાં પોતાના કોન્ટ્રાકટ અને અન્ય માંગણીઓ આગળ ધરી મૌન સેવી લીધું છે. ત્યારે નારગોલ ગામના લોકોનો વિરોધ કેટલો ટકે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *