દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે.
આ પાણીને નદીઓના જોડાણ થકી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડી ત્યાંના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારનો છે. તો પાણીનો ઉપયોગ સ્થાનિક લેવલે કપરાડા, ધરમપુર તાલુકાના અને ડાંગ-નવસારી જિલ્લાના ખેડૂતો માટે પણ બારેમાસ ઉપજ મેળવવા નિમિત્ત બનશે. વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રિવર લિંક પ્રોજેકટ ની જાહેરાત કરી છે. આ પ્રોજેકટ હેઠળ દેશમાં પાંચ નદીઓને જોડવામાં આવશે. જેમાં ગુજરાત માટે દમણગંગા-તાપી-નર્મદા રિવરલીન્ક તેમજ પાર-પિંજલ રિવર લિંક પ્રોજેકટ ખૂબ જ અગત્યનો પ્રોજેકટ છે.
આ પ્રોજેકટ અંગે નેશનલ વોટર બોર્ડ એજન્સી (NWBA) દ્વારા તેનો ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરી તે સબમિટ કરવામાં આવ્યા બાદ સર્વે હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નર્મદા કેનાલ સુધી પાણી પહોંચાડવામાં આવશે. જે પાણી પાઇપલાઇન દ્વારા અથવા તો નહેર દ્વારા પહોંચાડવામાં આવશે. જે સર્વે કર્યા બાદ જાણવા મળશે. આ પ્રોજેકટ અંગે ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઘણા સમયથી વાટાઘાટો ચાલે છે. અને તેના MOU થયા બાદ પ્રોજેકટ પર કામ શરૂ થશે.
હાલમાં પાર-પિંજલ રિવર લિંક અને દમણગંગા-તાપી-નર્મદા રિવર લિંક એમ 2 પ્રોજેકટ અંગે વાત ચાલી રહી છે. કેમ કે નદીમાં ચોમાસા દરમ્યાન આવતું પાણી મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાંથી આવે છે. અને પાર-તાપી-નર્મદા પ્રોજેકટ પણ પ્રોસેસમાં છે. ખાસ કરીને આ પ્રોજેકટનો હેતુ ચોમાસામાં વેડફાઇ જતા પાણીનો સદઉપયોગ કરવાનો છે. જેમાં સ્થાનિક દમણગંગા જળાશયમાંથી હાલના તબક્કે દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લો અને દમણમાં ખેતી માટે, પીવા માટે તેમજ ઔદ્યોગિક જરૂરિયાત માટે નહેર મારફતે તેમજ પાઇપલાઇન મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. જે યથાવત રહેશે અને વધારાનું વેડફાઇ જતું પાણી આ પ્રોજેકટ મારફતે સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવામાં આવશે. જેમાં અન્ય નદીઓ જેવી કે કોલક, પાર, માન, ઔરંગા નદીનું જોડાણ મેળવી એ પાણીનો પણ સદઉપયોગ કરવામાં આવી શકે તેમ છે.
વલસાડ જિલ્લાને અને સંઘપ્રદેશને પાણી પૂરું પાડતા દમણગંગા હસ્તકના મધુબન ડેમની 525 MCMની સંગ્રહશક્તિ છે. (એક MCM એટલે એકની પાછળ 9 મીંડા લગાડી શકાય તેટલા લીટર પાણી) પરંતુ, તેના રૂલ લેવલને જાળવવા દર વર્ષે ચોમાસા દરમ્યાન અંદાજિત 3000 MCM પાણી દમણગંગા નદી થકી સમુદ્રમાં વહાવી દેવું પડે છે. વરસાદી સિઝન દરમિયાન ચાર મહિના મધુબન ડેમની પાણીની સપાટી ને જાળવવા પાણી પુરવઠા વિભાગ, દમણગંગા જળાશય વિભાગ સતત 24 કલાક કાર્યરત રહે છે.
ચોમાસા દરમ્યાન ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાં સમયાંતરે દસ દરવાજા વત્તાઓછા મીટરે ખોલવામાં આવે છે. જેના થકી ડેમના કુલ પાણી સંગ્રહના જથ્થાની સામે લગભગ 6 ગણું પાણી કોઈપણ પ્રકારના સંગ્રહના આયોજનના અભાવે દરિયામાં ભળી જાય છે. પાણી બચાવવા નદીઓને જોડવાના પ્રોજેકટની જાહેરાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોજુનું સપનું સાકાર કરવા માંગે છે. પંરતુ તેમાં જે હૈયાધરપત વિસ્થાપિત થનારા લોકોને મળવી જોઈએ તેના આયોજનની કચાશ રાજકારણમાં ખપી ગઈ છે.