Saturday, December 21News That Matters

વેલેન્ટાઈન ડે ના દિવસે દમણમાં 700 દીકરા-દિકરીઓએ કર્યું માતાપિતાનું પૂજન

રવિવારે દમણના દિલીપ નગર ગ્રાઉન્ડમાં સંત આશારામ બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા વેલેન્ટાઈન ડે ની ઉજવણીને બદલે યુવાનો માતા પિતાનું પૂજન કરે તેવા ઉદ્દેશ્યથી માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદેશ્ય વિદેશી સંસ્કૃતિના દુષણનો સનાતન ધર્મમાં થઈ રહેલો પગપેસારો રોકવા માટે દર વર્ષે 14 મી ફેબ્રુઆરીને વેલેન્ટાઈન દિવસ તરીકે નહીં બલ્કે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવાનો સંદેશ આપવાનો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત 700 જેટલા દીકરા દિકરીઓએ તેમના માતાપિતાની આરતી ઉતારી તેમનું પૂજન કરી સનાતન ધર્મની અને સાચા પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. 

 

સંત આશારામ બાપુએ તેમના શિષ્યો – સાધકોને 14 મી ફેબ્રુઆરીને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાની શીખ આપી હતી. તેઓ માનતા હતા કે, જો આપણે આપણી સનાતન સંસ્કૃતિને જાળવી રાખીશું તો જ વિશ્વગુરુ ના પદ પર બિરાજેલા રહીશું. બાપુના આ સંદેશને અનુસરીને માતૃ પિતૃ પૂજન દિવસમાં ઉપસ્થિત રહી બાળકોએ તેમના માતાપિતાનું પૂજન કર્યું હતું, આ કાર્યક્રમને પર્વ માનતી ગોપી વોરા નામની દીકરીએ જણાવ્યું હતું કે , ઝાડ ગમે તેટલું હરિયાળું હોય પણ તેને તેના મૂળથી ઉખેડી નાખીશું તો તે સુકાય જશે. એટલે આપણે પણ આપણી સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલ રહેવું જોઈએ.
આ પર્વમાં ઉપસ્થિત દીકરા – દિકરીઓએ તેમના માતા – પિતા પ્રત્યે રહેલા પ્રેમને ઉજાગર કર્યો હતો. દેશમાં અને વિદેશોમાં આજની યુવા પેઢી તેમના માતાપિતાના આદર સન્માન ભૂલી રહી છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી પશ્ચિમી સંસ્કૃતિના દિવસને માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવાની પહેલને તમામે આવકારી હતી.
માતૃપિતૃ પૂજન દિવસમાં ઉપસ્થિત રહી દીકરા – દીકરીએ માતાપિતાનું જે પૂજન કર્યું તેનાથી દરેક માતાપિતા પણ ખૂબ ખુશ જોવા મળ્યા હતાં. દીકરીની આ પૂજા જોઈ માતાએ જણાવ્યું હતું કે, આ દિવસને તહેવારના રૂપમાં ઉજવણી કરી માતાપિતાને બાપુએ એક અનોખો સંદેશ આપ્યો છે. કે જો દરેક માતાપિતા તેમના બાળકને સારા સંસ્કાર આપશે તો સાચી સનાતન સંસ્કૃતિનું નિર્માણ થશે. દેશમાં વધી રહેલા વૃદ્ધાશ્રમો ઘટશે. માતાપિતા અને બાળકો એકબીજાને પ્રેમ કરતા થશે તેઓ, બાહ્ય પ્રેમની શોધમાં ક્યાંય ભટકશે નહિ.
આજના દિવસે સંત આશારામ બાપુના સાધકો – શિષ્યોએ બાપુની ગેરહાજરી વ્યક્ત કરી હતી. તેમનો કેસ ન્યાયાધીન છે. પરંતુ બાપુ આજે પણ દરેકના હૃદયમાં બિરાજમાન છે. તેમણે આપેલા સંસ્કારો, શીખ દુનિયાના 167 દેશોમાં ફેલાવી રહ્યા છે. બાપુ નિર્દોષ છે અને નિર્દોષ રહીને ખૂબ જ જલ્દી બહાર આવે. સંત્સંગ મંડપમાં આવી સત્સંગની અલખ જગાવે તેવી પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી યોગ વેદાંત સમિતિ દ્વારા દર વર્ષે વલસાડ જિલ્લામાં માતૃપિતૃ પૂજન દિવસનો કાર્યક્રમ યોજે છે. આ વર્ષે વલસાડ સહિત દમણમાં પણ આ કાર્યક્રમની ઉજવણી કરવાના આયોજન સાથે વેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ દમણમાં કાર્યક્રમનું આયોજન કર્યું હતું . જ્યારે વેલેન્ટાઈન ડે ના દિવસે વાપીમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ તેમના બાળકો સાથે ઉપસ્થિત રહી પ્રેમની અભિવ્યક્તિ કરવાના વેલેન્ટાઈન ડે ના દિવસને કંઈક નોખી અનોખી રીતે ઉજવણી કરી પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.

 

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે, જયંતિભાઈ પટેલ – પૂર્વ ડીએમસી કાઉન્સેલર, ખારીવાડ, વિકાસ ભાઈ પટેલ – માજી પ્રમુખ, જિલ્લા પંચાયત, દમણ, આરએસએસ તરફથી ઉજ્જવલ પટેલ અને જીગર પટેલ, તથા બજરંગ દળ તરફથી મયુર કદમ, તેમજ દમણ સાંસદના ધર્મપત્ની અને જિલ્લા પંચાયતના સભ્ય, તરુણા બેન પટેલ, એ. જી. શુક્લા, સભ્ય બ્રાહ્મણ સમાજ, તથા ડીએમસીના તત્કાલીન સભ્ય ગંગાબેન ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *