ગુજરાતની 182 વિધાનસભા પૈકી સૌથી છેલ્લી વિધાનસભા એટલે 182- ઉમરગામ (અ.જ.જા.) બેઠક છે. ચૂંટણી 2022માં આ બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. આ બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી. તમામ 6 ઉમેદવારો પક્ષના સિમ્બોલ પર ચૂંટણી લડી રહ્યા છે. તમામ ઉમેદવારો મતદારોનું ગણિત ગણી તેઓને રીઝવવા માટે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બેઠક પર મુખ્યત્વે ભાજપના રમણલાલ પાટકર જ સતત 3 ટર્મ (2007, 2012, 2017)અને એ પહેલાં 2 ટર્મ (1995,1997) એમ 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. (વર્ષ 2002માં આ બેઠક પર કોંગ્રેસના શંકર વારલીએ જીત મેળવી પાટકરને હાર આપી હતી.) આ છઠ્ઠી વખતની જીત મેળવવાના મદમાં રમણ પાટકરે કોંગ્રેસના નેતા રાકેશ રાય સાથે પંગો લઈ લેતા હવે આ બેઠક ભાજપ-કોંગ્રેસના ચૂંટણી જંગને બદલે રમણલાલ પાટકર વર્સીસ રાકેશ રાય ની પ્રતિષ્ઠા ના જંગ માં ફેરવાઈ ગઈ છે. એટલે આપ-કોંગ્રેસના ઉમેદવારો નામ માત્રના મુરતિયા બની ચૂંટણી લડી રહ્યા છે.
ઉમરગામ બેઠકમાં 1,51,902 પુરુષ મતદારો, 1,33,493 સ્ત્રી મતદારો મળી કુલ 2,85,398 મતદારો છે. જિલ્લાની તમામ બેઠકોમાં ઉમરગામ બેઠક પર સૌથી વધુ મતદારો છે. જેઓ માટે ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર જ્યારે સીટીંગ MLA અને આદિજાતિ-વનપ્રધાન હતા ત્યારે સરકારની તમામ યોજનાઓ પહોંચાડી છે. તેમ છતાં અન્ય મહત્વના પ્રશ્નોને લઈ તે સતત વગોવાતા રહ્યા છે. હાલમાં પણ ભાજપે તેમને રિપીટ કર્યા છે. જેની સામે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી ગામેગામ ચૂંટણી પ્રચાર કરી મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા છે.
ઉમરગામ બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારોના નામ જોઈએ તો…….
1, નરેશભાઈ વજીરભાઈ વળવી કોંગ્રેસ (Congress) હાથ (Hand)
2, પાટકર રમણલાલ નાનુભાઈ ભાજપ (BJP) કમળ (Lotus)
3, અશોકભાઈ મોહનભાઈ પટેલ (ધોડી) આમ આદમી પાર્ટી (AAP) જાડુ (Broom)
4, બોચલ હસમુખભાઈ રમણભાઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI-marxist) હથોડો દાતરડું અને તારો (Hammer, Sickle and Star)
5, મોહનભાઈ રવૈયાભાઈ કોહકેરીયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI (માર્કસિસ્ટ લેનિનીસ્ટ) (લીબ્રેશન) (CPI) ત્રણ તારા સાથે નો ઝંડો (Flag With Three Stars)
6, વઘાત રવિન્દ્રભાઈ સોમાભાઈ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) નિશાન ઓટો રીક્ષા (Auto Rickshaw)
ઉમરગામ બેઠક પર સતત 3 અને કુલ 5 વખત ભાજપના ઉમેદવાર તરીકે રમણલાલ પાટકરને ટીકીટ આપી છે. જ્યારે ગત ટર્મમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી 54 હજાર થી વધુ મત મેળવનાર અશોક ધોડીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસે પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને ભિલાડ ગ્રામ પંચાયત ના સરપંચ રહી ચૂકેલા નરેશ વળવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જો કે ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર વિકાસના કામોમાં, GIDC ના પ્રદુષણ મામલે, કાંઠા વિસ્તારના માછીમારો માટે જેટી સહિતની સુવિધાઓ પુરી પાડવામાં 25 વર્ષે પણ ખરા ઉતર્યા ના હોય મતદારોમાં રોષ છે. જેથી આ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપની જીતને બ્રેક લગાડી શકે છે. તેવી ચર્ચાએ શરૂઆતમાં જોર પકડ્યું હતું.
રમણલાલ પાટકર વર્સીસ રાકેશ રાય વચ્ચે પ્રતિષ્ઠા જંગ…….
આ બેઠક પર પાટકર 1 લાખની લીડથી જીત મેળવશે તેવા ભાજપના પ્રચાર વચ્ચે સરીગામ માં સભા સ્થળની પસંદગી અને ભાજપમાં સામેલ થવાના વાવડમાં સરીગામના રાકેશ રાય સાથે પંગો લઈ લેતા હવે આ બેઠક પર રમણ પાટકર અને રાકેશ રાય વચ્ચે પ્રતિષ્ઠા નો જંગ જામ્યો છે. રાકેશ રાય સરીગામ, ભિલાડ વિસ્તારમાં દિગગજ કોંગ્રેસી નેતાની છાપ ધરાવે છે. જેમણે રમણલાલ પાટકરને હરાવવાનો હુંકાર કરી કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી વતી સભાઓ ગજાવી સીધા પ્રતિસ્પર્ધી તરીકે મેદાનમાં ઉતરી ગયા છે. એટલે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ધોડી માત્ર આપ ના ઉમેદવાર પૂરતા અને કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી માત્ર ચૂંટણી પ્રચાર પૂરતા ઉમેદવાર બન્યા છે. જ્યારે આ બેઠકની ચૂંટણી ભાજપ-કોંગ્રેસનો ચૂંટણી જંગ રહેવાને બદલે રમણલાલ પાટકર વર્સીસ રાકેશ રાય વચ્ચે પ્રતિષ્ઠા ના જંગમાં ફંટાઈ ગયો છે.
પાટકરને મતોનું માર્જિન મેળવવામાં મરણતોલ ફટકો…………
જો કે ઉમરગામ બેઠક પર રમણલાલ પાટકર સામે કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારોની મત્સ્યબંદરની, જેટીની સમસ્યા પ્રત્યે, ઉમરગામ તાલુકાના અન્ય ગામોમાં રોજગારીના પ્રશ્ને, ઉચ્ચ શિક્ષણના, ઉત્તમ સુવિધાયુક્ત આરોગ્ય સેવા પ્રત્યે, સરીગામ-ઉમરગામ GIDC ના પ્રદુષણ મામલે સતત મૌન ધારણ કરી કોઈ પહેલ ના કરી હોવાનો રોષ મતદારોમાં છે. મતદારોમાં પાટકર માત્ર ઉદ્યોગકારો નું સાંભળી તેમના જ કામ કરતા હોવાનો ગણગણાટ છે. એટલે આ તમામ મુદ્દે કોંગ્રેસ રમણલાલ ને ઘેરવાના પ્રયાસો કરી મતદારોને પોતાના તરફ વાળી રહ્યા છે. રાકેશ રાય પણ કોંગ્રેસના ઉમેદવારને જીત અપાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. જે પાટકરને મતોનું માર્જિન મેળવવામાં મરણતોલ ફટકો સાબિત થતો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
ઉમરગામ બેઠક પર સત્તાના સમીકરણો બદલાયા છે………..
ઉમરગામ બેઠક પર લોકચર્ચા મુજબ રમણલાલ પાટકર જીતના મદ માં છે. એટલે તેમની સાથે રહેતા ભાજપના જુના જોગીઓ સાથે જ અપમાનજનક વર્તન કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં અનેક સ્થળે બફાટ કરી રહ્યા છે. મતદારો સામે 1 મતથી પણ તે જ જીતશે તેવું અભિમાન પ્રગટ કરી રહ્યા છે. વિરોધીઓ તેમની સામે કરોડોની જમીન અને ઉદ્યોગકારો સાથે મળી ખેતીપ્રધાન ગણાતા ઉમરગામ તાલુકાનું ઔદ્યોગિકરણ કરી રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ટૂંકમાં વિકાસના અનેક કામ કર્યા બાદ પણ અનેક કામ માં મૌન સેવી 15 વર્ષની સત્તામાં પણ એ કામ નહીં થતા હવે ઉમરગામના મતદારો પરિવર્તનના મૂડમાં છે. જેમને એક નેતાની જરૂર હતી જે તેમને રાકેશ રાય રૂપી મળી જતા હવે ઉમરગામ બેઠક પર સત્તાના સમીકરણો પણ બદલાયા છે જો કે કેટલા બદલાયા તે 8મી ડિસેમ્બરે ચૂંટણીના રિઝલ્ટ પછી જ જાણવા મળશે.