કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના આજે તા. 24 મી જૂનના બીજા દિવસે કપરાડા તાલુકાના અંભેટી પ્રાથમિક શાળા ખાતે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ શાળાના 10 કુમાર અને 6 કન્યા મળી કુલ 16 પ્રવેશપાત્ર બાળકોનો તેમજ આંગણવાડીના 02 બાળકોનો પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયનો દરેક બાળક શિક્ષિત બને અને સમાજમાં સ્વામાનભેર જીવી શકે તે હેતુસર વર્ષઃ 2002-03 થી કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવની શરૂઆત કરી હતી. આ શિક્ષણદીપના યજ્ઞમાં સ્વયં તેઓએ ભાગ લઇને સમગ્ર ગુજરાતને પ્રેરણા આપી છે.
કોરોના કાળના બે વર્ષ બાદ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્ત્વમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે આ તબક્કે શાળાના નિવૃત્ત આચાર્ય પરાગભાઇ વણસાભાઇ પટેલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઓ. એન. જી. સી. કંપની મુંબઇના જનરલ મેનેજર તરીકે હાલમાં જ નિવૃત્ત થયેલા ગામના ચંદુભાઇ નવસુભાઇ પટેલનું સન્માન કર્યુ હતું.
નાણાપ્રધાન દેસાઈએ આ પ્રાથમિક શાળાના એસ. એમ. સી. અને શાળાના મુખ્ય શિક્ષક તેમજ શાળાના શિક્ષકગણ સાથે બેઠક કરી હતી. જેમાં પ્રાથમિક શાળાના માટે જરૂરી ઓરડા, કોમ્પ્યુટરો તેમજ કોમ્પ્યુટર લેબ અને આનુષાંગિક શાળાઓ માટે સુવિધાના પ્રશ્નોનો બાબતે શાળાના મુખ્ય શિક્ષકને એસ. એમ. સી. સાથે જરૂરી સંકલન કરી શાળાના વિકાસ કરવા માટે સૂચનો કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવના આ અવસરે મંત્રીએ અંભેટી કાંપરીયા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ આદર્શ કેળવણી મંડળ અંભેટી સંચાલિત નવચેતન સાર્વજનિક હાઇસ્કૂલ અંભેટીની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ આ સંસ્થાના પ્રમુખ ઉત્તમભાઇ પટેલ અને સ્કૂલના આચાર્ય ઠાકોરભાઇ પટેલ પાસેથી સ્કૂલના વિકાસ માટે મંડળે કરેલ કામગીરીની વિગતો જાણીને સંતોષ વ્યકત કર્યો હતો. સ્કૂલના વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવા માટે આ તબક્કે ખાતરી આપી હતી.
કાર્યક્રમમાં શાળાની ધો. 8 ની વિદ્યાર્થીની કુ. ખુશી દિપકભાઇ આહિરે આઝાદીના અમૃત મહોત્સવ વિષય પર તેમની ભાવવાહી શૈલીમાં પ્રવચન કરી મંત્રીશ્રી અને સ્કૂલના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓના દિલ જીતી લીધા હતા.
આ કાર્યક્રમમાં વાપી તાલુકાના સંગઠન મંત્રી સુરેશભાઇ પટેલ, લાયોઝન અધિકારી ગુલાબભાઇ લુહાર, અંભેટી કાંપરીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા કેતુલબેન ડોંગરે, શાળાના શિક્ષકગણ તથા બાળકો અને તેમના વાલીઓ અને ગ્રામ્યજનો હાજર રહયા હતા.