વાપીમાં દર વર્ષ ની સરખામણીએ આ વર્ષે ચોમાસામા રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ છે. અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે.ત્યારે ગુજરાતના 2 દાયકાના વિકાસની ઝાંખી રજૂ કરતી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ વાપીમાં પહોંચ્યો છે.
વાપીમાં PWD સર્કિટ હાઉસ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે વાપીમાં હાલ ચોમાસામાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો હોય પાલિકા પ્રમુખે તમામ ઓળીયોઘોળીયો GUDC પર નાખી દઈ હાથ ખંખેરી લીધા હતાં.
વાપીમાં હાલ તમામ મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તમામ મુખ્ય માર્ગો ખાડામાર્ગ બન્યા છે. એ ઉપરાંત રેલવે ગરનાળા સહિત અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, શાળાઓમાં પાણી ભરાવાની સમસ્યાથી આમજનતા જ નહીં વાહનચાલકો, વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે.
જે અંગે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, વાપીની આ તમામ સમસ્યાઓથી તે સુપેરે વાકેફ છે. પરન્તુ વાપીના વિકાસ માટે તબક્કા મુજબ સ્ટોર્મ વોટર ડ્રેઇન નું કામ GUDC ને સોંપ્યું હતું જે એજન્સીએ બેદરકારી દાખવી કેટલાક વિસ્તારમાં અધૂરું કામ છોડી દેતા આ સમસ્યામ સર્જાઈ છે. જે અંગે GUDC ના ચેરમેન અને તેને લગતા વિભાગોમાં રજુઆત કરી છે. જે હવે ચોમાસા બાદ તેનું નિરાકરણ આવશે. પ્રમુખની આ વાતથી એટલું ચોક્કસ કહી શકાય કે વાપીવાસીઓએ આ આખું ચોમાસુ ખાડા અને પાણીમાં વિતાવવું પડશે.
વાપીમાં માત્ર રસ્તાઓ કે ગરનાળામાં ભરાતા પાણી અને ખાડાઓની જ સમસ્યા નથી અહીં પાલિકા વિસ્તારમાં આવેલ ગીતાનગર પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જતા શિક્ષણકાર્ય ઠપ્પ કરવુ પડે છે. જે અંગે પ્રમુખે જણાવ્યું હતું કે, આવી શાળાની તેમણે મુલાકાત લીધી છે. આ અંગે પણ રજુઆત કરી છે. અને કોઈ સંસ્થા કે NGO CSR ફંડ હેઠળ તેને દત્તક લે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
જો કે એક પ્રાથમિક શાળાની સમસ્યા માટે દાતાઓ શોધતી વાપી નગરપાલિકામાં ઇસ્ટ વેસ્ટ ને જોડતો એક જ બ્રિજ અને એક જ રેલવે ગરનાળુ છે. ગરનાળામાં પાણી ભરાયા બાદ બ્રિજ પર પારાવાર ટ્રાફિક જામની સમસ્યા છે. જે અંગે પ્રમુખ ભવિષ્યમાં નવો બ્રિજ અને રેલવે અન્ડર પાસ બનશે પછી સમસ્યાઓનો ઉકેલ આવશે તેવું જણાવી હાલ તેમની સત્તારૂઢ થયે 6 મહિના જ થયા હોય તમામ સમસ્યાનો ઓળીયો ઘોળીયો ભૂતકાળ ના પ્રમુખ અને સત્તાધીશો પર નાખી દીધો હતો. ત્યારે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ વાપીના ખાડામાં અને પાણીમાં ગયેલ વિકાસમાં કેટલો લેખે લાગશે તે જોવું રહ્યું