Wednesday, January 29News That Matters

વાપીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડુંગરી ફળિયામાં હિન્દૂ-મુસ્લિમ સમાજે અમન-શાંતિનો પૈગામ આપ્યો તો, ગુંજનમાં મુસ્લિમ સમાજ અને તમિલ સમાજે રક્તનું દાન કરી આ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ના વાપીમાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ડુંગરી ફળિયામાં હિન્દૂ-મુસ્લિમ સમાજે અમન-શાંતિનો પૈગામ આપતા મુશાયરાનું આયોજન કર્યું હતું. એ જ રીતે ગુંજન વિસ્તારમાં આવેલ મસ્જિદ એ હમઝા ખાતે મુસ્લિમ સમાજે રક્તદાન કેમ્પનું આયોજન કરી 132 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. તો, છેલ્લા 25 વર્ષથી દર વર્ષે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરતા વાપી તમિલ સંગમે આ વર્ષે પણ લાયન્સ કલબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સ સાથે મળી 60 બોટલ રક્ત એકત્ર કર્યું હતું.

આ ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમો અંગે આયોજકોએ આજના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડુંગરી ફળિયામાં આયોજિત કાર્યક્રમ અંગે મુખ્તાર ઘાંચીએ જણાવ્યું હતું કે, દેશના દરેક હિન્દૂ-મુસ્લિમ સમાજમાં કોમી એકતા જળવાય રહે તે માટે પૈગામ ડુંગરી ફલિયા વાપી કે જાનીબ સે ના શીર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 12 જેટલા જરૂરિયાતમંદ લોકોને આ સંસ્થાએ શિક્ષણ, આરોગ્યને લગતી સેવામાં મદદ કરી છે. આ કાર્યક્રમ દરેક ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓના હસ્તે પોલીસ જવાનો, ફાયરના જવાનો, ઉચ્ચ શિક્ષણ મેળવનાર વ્યક્તિઓ, બાળકો, આરોગ્યની સેવા પ્રદાન કરનાર તબીબો, GST ના અધિકારીઓનું સન્માન કર્યું હતું. દેશમાં હિન્દૂ-મુસ્લિમ સમાજ મોહબ્બત નો પૈગામ આપતી મિશાલ બને એ આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ હતો.

તો અન્ય એક કાર્યક્રમ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ મસ્જિદ એ હમઝા ખાતે મુસ્લિમ સમાજે પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરી હતી. મસ્જીદ એ હમઝા વાપી GIDC એસ્ટેટ મુસ્લિમ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમ રક્તદાન શિબિરનો હતો. મુસ્લિમ સમાજ અને લાયન્સ કલબ વાપીના સહયોગમાં આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મુસ્લિમ રક્તદાતાઓએ ઉપસ્થિત રહી રક્તનું દાન કરતા કુલ 132 બોટલ રક્ત એકત્ર કર્યું હતું.

આવો જ રક્તદાન કેમ્પ વાપીમાં કાર્યરત વાપી તમિલ સંગમ અને લાયન્સ કલબ ઓફ વાપી ટ્રાન્સપોર્ટર્સના સભ્યો એ કર્યો હતો. આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી દર 25મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 60 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. આમ વાપીમાં 76માં પ્રજાસત્તાક પર્વની દરેક સમાજે હર્ષોલ્લાસભેર ઉજવણી કરી દેશભક્તિની મિશાલ પ્રગટ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *