Sunday, December 22News That Matters

વલસાડમાં સોનલ બીજની ઉજવણી પ્રસંગે કલાકારોએ ભજન, સંતવાણીની રમઝટ બોલાવી, શ્રોતાઓએ રૂપિયાની નોટનો વરસાદ કર્યો

રવિવારે 25મી ડિસેમ્બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી સાંજ સુધી આઈ સોનલ માં ની શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન સમારંભ, રાસ ગરબા, મહાપ્રસાદ અને મહારક્તદાન કેમ્પના આયોજન બાદ રાત્રે ભજન-સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન-સંતવાણી કાર્યક્રમમાં ભજન રસિકોએ રૂપિયાની નોટનો વરસાદ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 
વલસાડના શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે ચારણ-ગઢવી સમાજ દ્વારા આઈ સોનલ માં ના જન્મોત્સવ નિમિત્તે ભજનસંધ્યાનું આયોજન કરી સોનલ બીજની ઉજવણી કરી હતી. સોનલ બીજ નિમિતે ગુજરાતના જાણીતા ભજન આરાધક જયમંત દવે, જયેશ ચૌહાણ, ભજનીક ગોવિંદભાઇ ગઢવી, લોક સાહિત્યકાર વિજયદાન ગઢવીએ ભજનની રમઝટ બોલાવી હતી. જેને માણવા મોટી સંખ્યામાં ભજન રસિકો ઉપસ્થિત રહ્યા હતાં.
ભજન-સંતવાણી કાર્યક્રમમાં ગાયક કલાકારોએ આઈ શ્રી સોનલ માં ની સ્તુતિ સાથે ભજનનો પ્રારંભ કર્યો હતો. ગાયક કલાકારોએ ભેળીયાવાળી મોગલ માં, દેવોના દેવ મહાદેવના ભજન, દુહા, છંદની રમઝટ સાથે રામાપીરના ભજન લલકાર્યા હતાં. જેનું શ્રવણ કરવા આવેલા શ્રોતાઓએ ગાયક કલાકારો પર રૂપિયાની નોટો નો વરસાદ કર્યો હતો. કાર્યક્રમમાં દરેક સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે ભજન-સંતવાણી ના કાર્યકમને ઉત્સાહભેર માણી ભજન સંધ્યાને સફળ બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આઈ શ્રી સોનલ માંએ ચારણ કુળ માં જન્મ લીધા બાદ તમામ સમાજના લોકોને શિક્ષિત, સંગઠીત, વ્યસન મુક્ત બનવાનો સંદેશ આપ્યો હતો. ચારણ કુળમાં જન્મ લેનાર અનેક માતાજીઓમાં સોનલ માં અંતિમ માતાજી છે. જેઓને ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક માનવામાં આવે છે. વર્ષ 1924માં તેમનો જન્મ થયો હતો. આ વર્ષે તેમનો આ 98મો જન્મ મહોત્સવ હતો. ચારણ-ગઢવી સમાજ દર વર્ષે પોષ સુદ બીજના સોનલ માં ના જન્મ દિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત વિવિધ સામાજિક કાર્યક્રમો સાથે ભજન સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *