Friday, October 18News That Matters

વાપીના ડુંગરા ખાતે પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ સમૂહ આરતી સાથે કર્યા મહાદેવના દર્શન

વાપીના ડુંગરા વિસ્તારમાં પંચકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તો 5 શિવલિંગની પૂજા અર્ચના કરે છે. ત્યારે રવિવારે અહીંથી શિરડી સાંઈબાબા ધામે જઇ રહેલ પદયાત્રીઓ ના સંઘને પ્રસ્થાન કરાવતી વખતે ઉપસ્થિત ભાવિક ભક્તોએ ભોળાનાથની સમૂહ આરતી કરી હર હર મહાદેવનો નાદ ગજાવ્યો હતો.

ગામના લોકોનું માનવું છે કે અહીં જ્યારથી ભગવાન શિવના 5 સ્વયંભૂં શિવલિંગ મળ્યા છે. ત્યારથી આ સમગ્ર વિસ્તાર ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે. મહાદેવની કૃપાથી જ અહીં બુલેટ ટ્રેનનું સ્ટેશન મળ્યું છે. તો, સંઘને પ્રસ્થાન કરવા આવેલા VIA ના પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્ટી નાથુભાઈ, દીપકભાઈ પટેલે સમૂહ આરતીમાં ઉપસ્થિત રહી મહાદેવને જળ અર્પણ કરી શીશ ઝુકાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવતા VIA પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પંચકેશ્વર મહાદેવનું મંદિર ડુંગરાનું જૂનામાં જૂનું મંદિર છે. અહીં પાંચ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન ભોળાનાથ આસ્થાનું કેન્દ્ર છે. દર્પણ દેસાઈએ જણાવ્યું હતું કે, શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરમાં જે પણ શ્રધ્ધાળુ માથું ટેકવે છે. તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ડુંગરા ગામ પર સદાય મહાદેવના આશીર્વાદ મળતા રહે છે.

શ્રી પંચકેશ્વર મહાદેવ પ્રત્યે અતૂટ શ્રધ્ધા ધરાવતા અને મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી દિપક એવા પટેલે જણાવ્યું હતું કે, પેશ્વાઈ કાળના આ મંદિર સાથે મહાભારત કાળની કથા પણ જોડાયેલ છે. કુંતા માતા તેમના પુત્રો પાંડવો સાથે જ્યારે સ્વર્ગ તરફ જવા નીકળ્યા હતાં. ત્યારે આ વિસ્તારમાં માતાની તરસ છીપાવવા ભીમે પોતાની ગદાથી એક ઝરણું ઉત્પન્ન કર્યું હતું. આ ઝરણું આજે ભીમચાસ તરીકે જાણીતું છે. જે દમણગંગા નદીના તટમાં છે. જેનો વ્યાસ ખૂબ મોટો છે. પરન્તુ તે અંગે કોઈએ વધુ રિસર્ચ કર્યું નથી. મંદિર સાથે તે ઝરણાનો ઇતિહાસ સંકળાયેલ છે. ડુંગરા વિસ્તાર સાથે પણ મંદિરનો ઇતિહાસ સંકળાયેલ છે.

પંચકેશ્વર મહાદેવની કૃપાથી આ વિસ્તાર સતત પ્રગતિ કરતો રહ્યો છે. આ મંદિરનો 2003માં જીર્ણોદ્ધાર કરી સુંદર મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન શિવ, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. ગામલોકોમાં આસ્થાના પ્રતીક સમાં પંચકેશ્વર મહાદેવની કૃપાથી ગામમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન મળ્યું છે. ગામનો સતત વિકાસ થઈ રહ્યો છે.

મંદિરના અન્ય ટ્રસ્ટી અને મહાદેવના નિત્ય દર્શને આવતા ભક્તો માને છે કે પંચકેશ્વર મહાદેવની કૃપા આ સમગ્ર વિસ્તાર પર વરસી રહી છે. જ્યારથી અહીં મહાદેવ પ્રગટ થયા છે ત્યારથી આ વિસ્તારનો સતત વિકાસ થતો રહ્યો છે. તેમના આશીર્વાદથી ગામમાં વસતા કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક ધર્મના લોકો એકસંપથી રહે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરતા હોય અહીં ગુજરાતી શ્રાવણ અને હિન્દી શ્રાવણ માસ ને ધ્યાને રાખી દોઢ મહિનો શ્રદ્ધાળુઓ મહાદેવની પૂજા કરી ધન્યતાનો અનુભવ કરે છે. પંચકેશ્વર મહાદેવ દરેકની મનોકામના સિદ્ધ કરતા મહાદેવ છે.

200 થી વધુ વર્ષ પુરાણા પંચકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એટલા જ વર્ષ જૂનો પેશ્વાઈ કાળ માં નિર્માણ પામેલ કૂવો છે. જેની નજીકમાં વડ – પીપળા સહિત પાંચ વૃક્ષો એક જ થડમાં વીંટળાયેલા છે. ભક્તો કુવાના પાણીથી પંચકેશ્વર મહાદેવનો જળાભિષેક કરે છે. પંચકેશ્વર મહાદેવના દર્શને આવતા શ્રધ્ધાળુઓ મહાદેવની પૂજા અર્ચના કરે છે.

દર શનિવારે ગામના યુવાનો હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરે છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા સત્સંગના કાર્યક્રમ યોજાય છે. નવરાત્રીમાં રાસ ગરબા, જન્માષ્ટમીમાં કૃષ્ણજન્મોત્સવ, પાલખી યાત્રા તેમજ દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *