વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા 17 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, લાભાર્થીઓને વિવિધ લાભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો. પ્રમુખ કાશ્મીરા શાહે પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાનની યોજનાઓથી સામાન્ય નાગરિકોને થઈ રહેલા લાભ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ તથા મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાભાર્થીઓને ગૃહ પ્રવેશની ચાવી તથા નવા મંજૂર થયેલા ૨૭ લાભાર્થીઓ પૈકી 6 ને આવાસ મંજૂરી હુકમનું વિતરણ થયું હતું. ઉપરાંત આયુષ્માન કાર્ડના 6 લાભાર્થીઓને કાર્ડ વિતરણ તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.
મંત્રી કનુભાઈ દેસાઈએ વડાપ્રધાનની યોજનાઓ વિશે વાત કરી વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલ, પ્રમુખ કાશ્મીરા શાહ તથા ટીમ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલ સુંદર કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
વાપી નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઇ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઇ, નગરપાલિકાના ચેરમેનો, સભ્યો, કર્મચારીઓ, નાગરિકોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરને સેવાનો ઉત્સવ બનાવ્યો હતો.
તો, ભાજપ કાર્યકરો અને સામાજિક સંસ્થા દ્વારા લાયન્સ પુરીબેન પોપટ લાખા ખાતે રક્તદાન કેમ્પનું અને છીરી ખાતે સફાઈ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત દરેક સરકારી યોજનાના લાભો દરેક જનજજન સુધી પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વકર્મા યોજના પણ આજથી લોન્ચ કરવામાં આવી છે. જેનાથી નાનામાં નાના કારીગરને તેમનો વ્યવસાય વિકસાવવાની તક મળશે. દરેક કારીગરો આત્મ નિર્ભર બનશે. સરકારની દરેક યોજનાઓ આ રીતે ધરાતલ પર ઉતરે તેનો સંકલ્પ લઇ ભારત સ્વનિર્ભર બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.