Friday, October 18News That Matters

જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભોજન, ભજન અને ભક્તિના સંગમ સાથે કરાયું અનેરું આયોજન

કારતક શુક્લ પક્ષ સાતમના સોમવારે વીરપુર ધામ અને સમગ્ર રાજ્યની સાથે વાપીમાં પણ જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીમાં છેલ્લા 16 વર્ષથી હરિઓમ મિત્ર મંડળ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ, મહાઆરતી અને ભજનના કાર્યક્રમનું અયોજન કરવામાં આવે છે. 
ફલેશ્વર મહાદેવ મંદિર કોચરવા 3rd ફેઈઝ વાપી GIDC ખાતે ધીરુભાઈ પટેલ તેમના પુત્ર નીતિન પટેલ તેમના મિત્રોના સહયોગમાં છેલ્લા 16 વર્ષથી સ્વખર્ચે જલારામ જયંતીની ઉજવણી કરે છે. જે અંતર્ગત સોમવારે પણ હરિઓમ મિત્ર મંડળના નેજા હેઠળ સાર્વજનિક જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે અને સાંજે એમ 2 સમયે અંદાજિત 7000 જેટલા લોકોએ મહાપ્રસાદમાં બનાવેલ ખીચડી, કઢી, દાળ ભાત અને રીંગણ બટાકાના શાકનો મહાપ્રસાદ ગ્રહણ કરી તૃપ્તિ નો એહસાસ કર્યો હતો.
ધીરુભાઈ પટેલ અને પુત્ર નીતિન પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે ઉજવાતા જલારામ જયંતિ મહોત્સવમાં તેમના મિત્રો એવા કલ્પેશ ભાનુશાલી, લાલજી ભાનુશાલી, હિતેશ સુરતી સહિતના મિત્રો સંચાલનમાં સહયોગ આપે છે. જેઓએ જણાવ્યું હતું કે, હરિઓમ મિત્ર મંડળના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ દ્વારા દર વર્ષે જલારામ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં મહાપ્રસાદ, મહાઆરતી અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભજન, ભોજન અને ભક્તિના સંગમ સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે.
આ વર્ષે 223મી જલારામ જયંતિ નિમિત્તે હરિઓમ મિત્ર મંડળ દ્વારા બપોરે બાપાની આરતી બાદ આયોજિત મહાપ્રસાદ માં અંદાજિત 3 હજાર લોકોએ જ્યારે સાંજે મહા આરતી બાદ આયોજિત મહાપ્રસાદ માં 4 હજાર લોકોએ મહાપ્રસાદ લીધો હતો. તો, જાણીતા ગાયકો દ્વારા જલારામ બાપાના ભજનની રમઝટ બોલાવી હોય મોટી સંખ્યામાં લોકોએ બાપાના ભજનનો લ્હાવો લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિસ્તાર વાપી અદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારોનો હોય જલારામ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં કામદારો પોતાના પરિવાર સાથે બાપાની મહાઆરતીમાં અને મહાપ્રસાદ માં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુંકડો ના બાપા ના સૂત્રને સાર્થક કરાવ્યું હતું. હરિઓમ મિત્ર મંડળના ધીરુભાઈ દ્વારા જલારામ જયંતીની જેમ જ ગણેશ મહોત્સવ અને શિવરાત્રી મહોત્સવનું સ્વખર્ચે આયોજન કરી સેવાની સરવાણી વહાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *