વલસાડ જિલ્લાના વાપી GIDC અને સરીગામ GIDC માં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના CSR ફંડ હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથ, પગ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણ માટે ત્રિદિવસીય કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પના અંતિમ દિને કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી, ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર સહિતના મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કર્યું હતું.
3 દિવસના કેમ્પમાં વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી, સુરત, ડાંગ, સેલવાસથી મોટી સંખ્યામાં દિવ્યાંગો આવ્યા હતાં. અંદાજિત 500 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને CSR ફન્ડ હેઠળ કૃત્રિમ હાથ-પગ આપી તેમને સાંપ્રત પ્રવાહમાં ફરી ચાલતા કર્યા છે. તે અંગે સંતોષ વ્યક્ત કરતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેમની કંપની આ પ્રકારની સેવાકીય પ્રવુતિ કરી સમાજમાં પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે. એ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ટોયલેટ પુરા પાડી રહી છે. ગરીબ બીમાર દર્દીઓને સારવારમાં મદદરૂપ થઇ છે. શિક્ષણ ક્ષેત્રે ગરીબ વિદ્યાર્થીઓને જરૂરી સહાય આપી રહી છે. તેમની આ સેવાકીય પ્રવૃતિઓ સાથે અન્ય ઉદ્યોગકારો પણ સંકળાય અને આગામી દિવસમાં કપરાડા, ડાંગ જેવા આદિવાસી ક્ષેત્રમાં ગરીબ દર્દીઓને સારવાર પુરી પાડવી, ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસની સહાય આપવી જેવા સંકલ્પ લીધા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે પણ કંપનીની આ સામાજિક સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી કંપની ઉત્તરોત્તર આ પ્રકારની સેવા કરી જરૂરિયાતમંદ ને મદદરૂપ થતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વાપી GIDC અને સરીગામ GIDC માં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી અને MD આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે CSR ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન કરવામાંં આવ્યું હતું. કેમ્પમાં અકસ્માતમાં હાથ-પગ ગુમાવનાર કે પોલિયો જેવી ખોડખાંપણ ધરાવતા વ્યક્તિઓ માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સાધનો પુરા પાડવામાં આવ્યા હતાં. કેમ્પમાં ભારતની જાણીતી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાના સહયોગમાંં 500 જેટલા દિવ્યાંગોને નવા કેલીપર્સ, જયપુર ફૂટ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હેરંબા ઇન્ડસ્ટ્રીઝના મેનેજર રૂપેશ વેગડા અને મીનેશ પંડ્યાએ ભારે જહેમત ઉઠાવી હતી.