Friday, October 18News That Matters

નવરાત્રીના પ્રથમ નોરતે નાણાપ્રધાનના હસ્તે ત્રિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન, ઉમરગામના લોકોને મળશે સારવાર માટે હોસ્પિટલ, મામલતદાર કચેરી અને જોગમેડી માતા મંદિરે વધુ સુવિધા

સમગ્ર ભારતમાં નવરાત્રીના નવ દિવસ એ માતાજીની આરાધના ના દિવસ છે. ત્યારે આજથી શરૂ થતાં નવરાત્રી પર્વના પ્રથમ નોરતે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણ પાટકર, વલસાડ વહીવટી તંત્ર અને ઉમરગામના ઉદ્યોગકારો દ્વારા સેવાકીય પ્રકલ્પોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે સૌપ્રથમ સરીગામ નજીક આવેલ જોગમેડી માતાના મંદિરે ભક્તો માટે નવા હોલનું ભૂમિ પૂજન, વલસાડ વહીવટી તંત્ર દ્વારા ઉમરગામ ખાતે મામલતદાર કચેરીનું ભૂમિ પૂજન, તે બાદ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઉમરગામમાં 35 કરોડના ખર્ચે નિર્માણ થનાર 120 બેડ ની હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે માતાજીના મંદિર સ્થાન પર શિવ મંદિર અને જરૂરી સુવિધાઓ સાથેના હોલનું નિર્માણ કાર્ય થવાનું છે. જેનાથી જોગમેડી માતા મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસાવવામાં સહયોગ મળશે. અંદાજિત અઢી કરોડના ખર્ચે નિર્માણ થનાર હોલ અને શિવ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેમાં દાતાઓનો સહકાર મળી રહ્યો છે. એ જ રીતે ઉમરગામમાં નવી મામલતદાર કચેરીના ભવનનું ખાત મુહરત કરવામાં આવ્યું છે. આ ભવન બનવાથી સ્થાનિક અરજદારોને તેમની દરેક સમસ્યાનું સ્થાનિકે જ નિરાકરણ થશે. સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકશે.

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 120 બેડની હોસ્પિટલ નિર્માણ કરવાનું સ્વપ્ન છેલ્લા ઘણા વર્ષોથી જોવાયું હતું જે સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. આ માટે 35 કરોડના ખર્ચે બનનાર નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં હોય તે તમામ સગવડો અહીં ઊભી કરવામાં આવશે. જેમાં ઉદ્યોગકારોનો પણ ખૂબ જ સહયોગ રહ્યો છે તેમના થકી જ આ હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન 20 વર્ષ બાદ સાકાર થઈ રહ્યું છે.

વધુમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જ્યારથી ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકહિતની યોજનાઓ અમલમાં મૂકી છે. તેમના પ્રયાસથી સમગ્ર ભારત નવું ભારત બની રહ્યું છે. આવનારા વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનશે.

UIA દ્વારા નિર્માણ થનાર હોસ્પિટલમાં ઉમરગામની ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમજ અન્ય ઉદ્યોગકારો દ્વારા 21-21 લાખ કે 11 લાખની માતબર રાશીના ચેક નાણાપ્રધાનના હસ્તે UIA ને અર્પણ કરવામાં આવ્યા હતાં. આગામી દિવસો હજુ વધુ જરૂરી રકમ ઉદ્યોગકારો CSR ફંડ હેઠળ હોસ્પિટલ પ્રોજેકટમાં આપે તેવી અપીલ કરવામાં આવી છે. જો કે, આ અપીલ સાથે ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉદ્યોગકારોના એકમોને લઈને ઉપસ્થિત થતા પ્રશ્નોમાં સહકાર આપવા અને હાલમાં કેટલક એકમો દ્વારા સરકારના નિયમોનું જે ઉલ્લંઘન કર્યું છે તેની સંપૂર્ણ જાણકારી હોય સહકાર નહિ મળે તો તેમાં તેઓનો સપોર્ટ પણ નહીં મળે તેવો બફાટ પણ કરી નાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ત્રિવિધ કાર્યક્રમમાં વલસાડ ડાંગ ના સાંસદ ડૉ. ખાલપા પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, વલસાડ કલેકટર, વલસાડ DDO, PWD ના અધિકારીઓ, VIA, SIA, UIA ના પ્રમુખ, ઉદ્યોગોના ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *