દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પુરુષ અધ્યાપન મંદિર, વાપી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વલસાડના પ્રસિદ્ધ યાત્રાધામ બગવાડાના વિકાસ માટે રૂપિયા ત્રણ કરોડ સહિત રૂપિયા 138 કરોડના 18 વિકાસકામોની ભેટ ધરી હતી. ઉમરસાડી દરિયા કિનારે બીચને વિકસાવવાની જાહેરાત કરી હતી. સમાજમાં ઉત્કુષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતાં.
વાપી પુરૂષ અધ્યાપન મંદિર ખાતે તૈયાર કરેલ ભવ્ય ડૉમ માં સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ધરમપુર,પારડી અને ઉમરગામ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ કેલબિલંગના પ્રોજેકટ પૂર્ણ તરફ છે. ઉમરગામનાના વલવાડા ખાતે રૂ.48.34 કરોડના ખર્ચે બ્રીજ, ધમડાચી ખાતે રૂ. 24 કરોડના ખર્ચે અંડર પાસ તેમજ વલસાડ, પારડી અને વાપીમાં રૂ. 11.75 કરોડના ખર્ચે કુલ 06 સ્થળોએ ફુટ ઓવરબ્રીજનું નિર્માણ કરાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જયાં એકડો ઘુટયો છે ત્યાં સીએમ તરીકે આવવાની તક મળી છે મારી જાતને ભાગ્યશાળી ગણુ છે. વલસાડની હાફુસ કેરી, ચીકુ, સાગ આજે પણ યાદ છે. બગવાડાના પૌરાણિક 11 મંદિરોના જીર્ણોધ્ધાર માટે 3.70 કરોડ, ઉમરસાડી દરિયા કિનારે બીચ માટે 15 કરોડની પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. દોઢ દાયકા પહેલા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી વલસાડ જિલ્લામાં 26 જાન્યુઆરીએ હાજરી આપી હતી, આજે મને તક મળી છે.
દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પુરુષ અધ્યાપન મંદિર, વાપી ખાતે આયોજિત ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમને માણતા પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રૂપિયા 138 કરોડના 18 વિકાસકામોની ભેટ ધરી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ, પર્યાવરણ, આરોગ્ય ક્ષેત્રે સામાજિક કામગીરી કરનારા લોકોનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં CM એ વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયત, નગરપાલિકાના વિકાસ માટે અઢી-અઢી કરોડ મળી કુલ 5 કરોડના ચેક અર્પણ કર્યા હતાં.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઇતિહાસ થી લઈને હાલમાં ઔદ્યોગિક ક્ષેત્રે કરેલા હરણફાળ વિકાસની ગાથા રજૂ કરાઈ હતી. વલસાડમાં જોવા લાયક તીર્થસ્થાનો, પ્રવાસન સ્થળો, કેરી, ચીકુ, આદિવાસી સમાજની જીવનશૈલી, પારસી જેવા વિવિધ સમાજનું યોગદાન, આઝાદીની લડતમાં, ગાંધીજીના મીઠાના સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની વિરગાથા સહિત વિવિધ સાંસ્કૃતિક નૃત્યો, ગીત સંગીત, નાટક રજૂ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વલસાડ જિલ્લાના નગરજનોએ ઉત્સાહભેર કાર્યક્રમ માણ્યો હતો.