Friday, October 18News That Matters

રામનવમી ના પાવન પર્વે હોટેલ પેપીલોન પરિવાર દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કર્યું

વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામનવમી ઉત્સવ નિમિતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોટેલ પેપીલોન પરિવાર, રોટરી વાપી રિવરસાઇડ, શ્રીલોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત આ મહારક્તદાન કેમ્પમાં 411 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. 

મહારક્તદાન કેમ્પ પાછળના ઉદ્દેશ અંગે હોટેલ પેપીલોન ના નલિન પાબારીએ જણાવ્યું હતું કે, રામ નવમી એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ દિવસ છે. આ દિવસે ધર્મને અનુરૂપ તેમજ સમાજને ઉપયોગી કાર્ય કરવું જોઈએ તેવી વડીલોની શિખામણને યાદ કરી છેલ્લા 15 વર્ષથી રામનવમી ના પાવન પર્વ દરમ્યાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ 15મો રક્તદાન કેમ્પ છે. હોટેલ પેપીલોન બેન્કવેટ માં આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ તેમના રક્તનું દાન કરતા કુલ 411 યુનિટ રક્ત એકત્ર થયું છે. જે વાપીની હરિયા ન્યુકેમ અને પુરીબેન પોપટ લાખા બ્લડ બેંકને સુપ્રત કરવામાં આવશે.

રક્તદાન કેમ્પને સફળ બનાવવા હોટેલ પેપીલોન પરિવાર, રોટરી વાપી રિવરસાઇડ, શ્રી લોહાણા યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ તબક્કે વાપીના DYSP બી. એન. દવે, વાપી શહેર પ્રમુખ સતીશ પટેલના હસ્તે રક્તદાતાઓનું સન્માન કરી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. રક્તદાન કેમ્પ અંગે વાપી શહેર પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, આ શુભ દિવસે દર વર્ષે પેપીલોન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તો, સાથે સાથે સાંજના સમયે ભજન, મહાઆરતી, મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવે છે. આ સેવાના સરાહનીય કાર્યમાં વાપીના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વાપી શહેર ભાજપના કાર્યકરો પોલીસ જવાનો પણ પોતાનું યોગદાન આપે છે.

ઉલ્લેખનીય છે કે, આ મહારક્તદાન કેમ્પમાં પોલીસ જવાનો, વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ, યુવાનો સહિત મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *