વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે જાણીતા ગુજરાતી કલાકારો સંગ 2 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી અને 9મી ઓક્ટોબરે એમ 2 દિવસ આયોજિત આ ગરબા આયોજનમાં મુંબઈના જાણીતા કલાકાર પિયુષ રાજાણી અને વડોદરાના જાણીતા ગુજરાતી ગાયક કૈરવી બુચ ના સંગે વાપીના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે.
વાપીના ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટમાં રાસ રમઝટ ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી પછી શરદ પૂનમના દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી થતું આ આયોજન આ વર્ષે પણ તારીખ 8મી ઓક્ટોબર અને 9મી ઓક્ટોબર એમ 2 દિવસ માટે યોજવાનું નક્કી કરાયું છે. જે માટે આયોજક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત ગરબા આયોજકો એવા સમીર પટેલ, રામકુમાર દવે ધર્મેશ પારડીવાલા અને યતિન શાહે જણાવ્યું હતું કે, વાપીના ચલા વિસ્તારમાં મોટા પાર્ટી પ્લોટમાં રાસ રમઝટ ગ્રુપ જાણીતું છે. જેમાં કોરોનાના 2 વર્ષ એમજ વીત્યા હોય ખેલૈયાઓએ વાપીના અન્ય વિસ્તારમાં ગરબે રમવા જવું પડ્યું હતું. જેઓની રજૂઆતને ધ્યાને રાખી આ વર્ષે 2 દિવસનું વિશેષ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે તારીખ 8મી ઓક્ટોબરે મુંબઈના જાણીતા ગાયક ક્લાકાર પિયુષ રાજાણી ના બેન્ડને બોલાવવામાં આવશે. જ્યારે બીજા દિવસે 9મી ઓક્ટોબરે વડોદરાની જાણીતી ગાયક કૈરવી બુચને આમંત્રણ આપ્યું છે.
2 દિવસના આ ગરબા આયોજન અંગે તમામ તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. તો પોલીસ પ્રશાસન તરફથી પણ ગરબા માટે રાત્રીના 12 વાગ્યા સુધીની પરમિશન મેળવી છે. ગરબા આયોજનમાં અંદાજિત 3500 જેટલા ખેલૈયાઓ ગરબે રમવા આવશે. જે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. ઉપરાંત ટિકિટની રકમમાંથી 51 હજારની રકમ વૃદ્ધો માટે સેવાકીય પ્રવુતિ ચલાવતા હેલ્પીંગ હેન્ડ સંસ્થાને દાન પેટે આપવામાં આવશે. તો, અંદાજિત 5 લાખથી વધુની રકમ ખેલૈયાઓને રોકડ ઇનામ તરીકે તેમજ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજવસ્તુઓના રૂપમાં આપવામાં આવશે. 2 દિવસના આયોજન અંગે અત્યારથી જ મોટાભાગનું બુકીંગ થઈ ચૂક્યું હોવાનું અયોજકોએ જણાવ્યું હતું.