ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલ અછાડ ખાતે સેલવાસ, ગુજરાત, મહારાષ્ટ્રમાં આવેલ અનેક ઓઈલ કંપનીઓ, જેમાં ખાદ્ય ઓઇલ, અદ્યોગિક ઓઇલ તેમજ કેમિકલ સગેવગે કરવાનો ગોરખધંધો ચાલે છે. સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ અછાડ ખાતે વલસાડ જિલ્લાના અને પાલઘર જિલ્લાના ઓઇલ માફિયાઓ ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતા આવતા ઓઈલના ટેન્કરમાંથી ચોરીછુપી કેટલુંક ઓઇલ કે કેમિકલ અલગ અલગ ડ્રમ માં ભરી તે ઓઇલ સેલવાસ, દમણ અને વાપીના ટ્રેડર્સ મારફતે વિવિધ કંપનીઓમાં સપ્લાય કરે છે.
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ આ મલાઈદાર ધંધામાં વિપુલ, વિજય, સુનિલ, બદરુદ્દીન, અબ્રાર, શબ્બીર ખાન, જેવા નામચીન ઓઇલ ખેપિયાઓ આ ગોરખધંધો ચલાવી રહ્યા છે. હાલમાં જ આવા ગોરખધંધામાં સેલવાસ પોલીસે નરોલી માં એક સ્થળ પર રેઇડ કરી વાપી, સેલવાસ અને મહારાષ્ટ્ર ના નામચીન લોકોની ધરપકડ કરી હતી. જો કે તેમાં મુખ્ય સૂત્રધારો હાથ આવ્યા ના હોય આ ટોળકીએ થોડા દિવસ ભૂગર્ભમાં આશરો લીધા બાદ ફરી મોટી માત્રામાં ઓઇલ, કેમિકલ સગેવગે કરવાનું શરૂ કર્યું છે.
સુત્રોનું માનીએ તો સેલવાસ દમણની પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં અને ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીઝ માં ફરનેશ ઓઇલ સહિત કેટલાક કેમિકલની જરૂરિયાત અનિવાર્ય છે. જે પ્રોડકટ બનાવવા પર અહીં પાબંધી છે. એટલે એ પ્રોડકટ ગુજરાતની અને મહારાષ્ટ્રની અન્ય GIDC માંથી તેમજ ઓઇલ કંપનીઓ પાસેથી મંગાવવામાં આવે છે. જો કે તેના પર ટેક્સની અને અન્ય કરવેરા સાથે બજાર કિંમત વધુ હોય સસ્તા દરે આવા ઓઇલ-કેમિકલ સગેવગે કરતા ધંધાર્થીઓ પાસેથી ખરીદી કરવામાં આવે છે. જેનો લાભ ગેરકાયદેસર ટેન્કરો માંથી અને અન્ય યુક્તિ પ્રયુક્તિથી મેળવનાર ઓઇલ માફીયાઓ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિગતો અંગે aurangatimes કોઈ પુષ્ટિ નથી કરતું પરંતુ સૂત્રો તરફથી મળેલ માહિતી આધારે આ વિગતો લખવામાં આવી છે.