Friday, October 18News That Matters

સંજાણ બ્રિજમાં પડેલા ગાબડા બાદ હવે, સંજાણને મળશે નવો રિંગરોડ જો, માર્ગ અને મકાન વિભાગ અને DFCCIL બનવા દેશે તો…!

વલસાડ જીલ્લાનાં સંજાણ ખાતે પૂર્ણ થવાનાં આરે પહોંચેલાં રેલવે ઓવરબ્રિજનાં સ્લેબનો કોંક્રીટ ભાગ તુટવા સાથે મસમોટું ગાબડું પડ્યું હતું. બ્રિજ પરની આ ઘટનાએ બ્રિજની તકલાદી કામગીરીની પોલ ખોલી નાખી હતી. ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રએ સર્વિસ રોડની પ્રક્રિયા આરંભી છે. જો આ સર્વિસ રોડ વિના વિઘને પૂર્ણ થાય તો સંજાણને એક નવો રિંગરોડ મળી શકે છે. જો, તંત્ર ઈચ્છે તો..!

જો આ સર્વિસ રોડ બનશે તો સંજાણ ને હોટેલ બદરિયાથી રેલવે ફાટક અને રેલવે ફાટક થી સંજાણ ઝંડા ચોક અને ઝંડા ચોક થી હોટલ બદરીયા સુધીનો નવો રિંગ રોડ મળી શકે છે. જે ટ્રાફિક સહિત હાલની ચોમાસાની પરિસ્થિતિમાં ઉભી થનાર પારાવાર સમસ્યામાંથી મુક્તિ અપાવશે. તથા દુકાનદારો અને વેપારીવર્ગ માટે આશીર્વાદરૂપ બનશે પરંતુ ફરી પ્રશ્નાર્થ એ જ છે કે આ રિંગરોડ બનવા દેશે ખરો…..? અથવા તો તકલાદી બ્રિજ બનાવનાર કંપની સર્વિસ રોડનું કામ પ્રામાણિકતાથી કરશે ખરી…?

સંજાણ પૂર્વ-પશ્ચિમની કનેક્ટિવિટી માટે રેલ્વે ગેટ નંબર 68 (પુર્વ) થી ઉદવા રોડ અંડર પાસ સુધીની કનેક્ટિવિટી માટે સર્વિસ રોડ ચાલુ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ કામગીરી પણ શ્રી મંગલમ બિલ્ડકોનને સોંપાઈ હતી. જો કે સૂત્રો તરફથી વિગતો મળી હતી કે, સંજાણ બુનાટ પાડાના રહેવાસીઓએ સદર બનનાર સર્વિસ રોડને વધાવી લીધો હતો. પરંતુ, જે જમીનમાંથી સર્વિસ રોડ જવાનો હતો, તે જમીન કોઈક વગદાર વ્યક્તિની હોવાને કારણે અટકાવી દીધો હતો. તેમજ આ જ સર્વિસ રોડ પર કોઈ નેતાની ઇમારત આવતી હોય તેણે પણ સર્વિસ રોડની કામગીરીમાં રોડા નાખવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવાં મળ્યું હતું.

પશ્ચિમ રેલવેનાં સંજાણ રેલવે ક્રોસિંગ નંબર નાં ઈન્ડિયન રેલવે ચેઈનેજ 149 22- 24 પર નિમાર્ણ કરવામાં આવેલા રેલવે ઓવરબ્રિજના પોપડા પડતા અને ડામર સહિતનો 35 ફૂટ જેટલો ભાગ બેસી જતા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઈન્ડિયા લી. (DFCCIL) દ્વારા સંજાણ ના ROB ને લઈ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે. આ બ્રિજના ઠેકેદારોએ બ્રિજની કામગીરીમાં દાખવેલી બેદરકારી હવે જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

બ્રિજ નિર્માણની જવાબદારી શ્રી મંગલમ બિલ્ડકોન (ઈ) પ્રા.લી. નામની કંપનીને આપવામાં આવી હતી. વિકાસની વાતો કરતા વલસાડ સાંસદ ખાલપા પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર, રેલવેના અધિકારી સંજાણ બ્રિજમાં પડેલું ગાબડું જાણે કોઈ મોટી ઘટના ના હોય તેમ ઠેકેદાર ને છાવરવા ધમપછાડા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *