વાપી GIDC માં ઉદ્યોગો દ્વારા પર્યાવરણને થતા નુકસાન સામે GPCB એ લાલ આંખ કરી છે. હવા, પાણીના પ્રદુષણ માટે બદનામ વાપી GIDC ના ઉદ્યોગો સામે GPCBએ છેલ્લા ત્રણેક મહિનામાં સપાટો બોલાવ્યો છે. ત્યારે હાલમાં GPCB એ વાપીમાં આવેલ થેલો કલર્સ નામની કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. તો, ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સને 38 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું છે. અન્ય કંપની કુંદર કેમિકલને 25 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપતા વાપીના ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા વાપીની 3 કંપની સામે કાયદાનો દંડો ઉગામતા GIDC ના અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મળતી વિગત મુજબ GPCB દ્વારા વાપી GIDCના 3rd ફેઝમાં પ્લોટ નંબર 808/A/1&3 માં આવેલ થેલો કલર્સ પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીને ક્લોઝર નોટિસ આપી છે. કંપની સામે GPCB એ સેક્શન 5 હેઠળ 15 દિવસની ક્લોઝર નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
GPCB એ થેલો કંપનીને પર્યાવરણ મામલે ક્લોઝર નોટિસ ફટકારી છે તો, અન્ય 2 કંપનીઓને લાખોનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું છે. જેમાં વાપીના 2nd ફેઝમાં પ્લોટ નંબર 157 અને 158માં કાર્યરત ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સ મિલ્સ પ્રાઇવેટ લીમીટેડ ને 38 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું છે. જ્યારે વાપી GIDC ના 2nd ફેઝમાં પ્લોટ નંબર 316/A માં કાર્યરત કુંદર કેમિકલ પ્રાઇવેટ લિમિટેડને 25 લાખનો દંડ અને નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું છે. પાછલાં એક સપ્તાહમાં GPCB એ 3 કંપનીઓ સામે પર્યાવરણ મામલે કાર્યવાહી કરતા અન્ય ઉદ્યોગોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ થેલો કંપનીને ક્લોઝર આપ્યા બાદ આગામી દિવસોમાં ધ સ્ટાન્ડર્ડ કેમિકલ સામે પણ ક્લોઝર સહિતની કાર્યવાહી હાથ ધરવા રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગર ને સુપ્રત કરવામાં આવ્યો છે. ધ સ્ટાન્ડર્ડ કેમિકલ કંપનીમાં ગત 25મી જુલાઈએ સલ્ફરના ગોડાઉનમાં આગ લાગી હતી. જે બાદ આસપાસના વિસ્તારમાં સલ્ફર કાર્બન ડાયોક્સાઇડ ગેસને કારણે લોકોએ શ્વાસ લેવામાં, આંખોની બળતરા સહન કરી હતી. ગેસને કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. GPCB દ્વારા પ્રદુષણ મામલે જે રીતે થેલોને ક્લોઝર, ક્રિએટિવ ટેકસ્ટાઈલ્સ અને કુંદર કેમિકલને ડાયરેક્શન આપી જવાબ માંગ્યો છે. તે જ રીતે આગામી દિવસોમાં ધ સ્ટાન્ડર્ડ કેમિકલ સામે પણ કાર્યવાહી હાથ ધરશે. હાલમાં તો ત્રણ કંપની સામે GPCB એ લાલ આંખ કરતા અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે વાપીમાં મોટાભાગની કંપનીઓમાં GPCB ના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. કંપનીઓ બેફામ પ્રદુષણ ફેલાવી વાતાવરણને તેમજ ભૂગર્ભ જળને, વરસાદી નદી નાળાને પ્રદુષિત કરી રહી છે. કંપનીઓમાં કામદારો માટે સલામતી સાધનો આપવામાં બેદરકારી દાખવી રહી છે. મોટાભાગની કંપનીઓમાં કામદારો હેલ્મેટ, ગ્લોવ્ઝ, માસ્ક સહિતના સુરક્ષા સાધનો વિના જ જીવના જોખમે કામ કરી રહ્યા છે. જે અંગે ઘણા સમયથી ફરિયાદો ઉઠી હતી. જેને ધ્યાને લઈ GPCB ના અધિકારીઓએ GIDCના ઔદ્યોગિક એકમોની તપાસ શરૂ કરી પ્રદૂષણકારી કંપનીઓ સામે કાયદાનો દંડો ઉગામ્યો છે.