Friday, January 31News That Matters

NHAI અને ખાતો નથી ખાવા દેતો નથીની સરકારે જ ટોલ ટેક્સના નામે આચર્યું કરોડોનું કૌભાંડ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આકરો વિરોધ

દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુદત પૂરી થનાર ટોલ પ્લાઝા પર છેલ્લા એક વર્ષથી સરકાર અને નેશનલ હાઇવે આથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 40 ટકા ટોલ લેવાને બદલે 100 ટકા ટોલટેક્સ લઈ મહિને 500 કરોડ જેટલા લૂંટી ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન ચાલકો સાથે ધોખાધડી કરી હોવાના આક્ષેપ સાથે બગવાડા ટોલ નાકા પર આવેદનપત્ર આપી 21 દિવસમાં 40 ટકા ટોલ થી વધુ રકમ વસુલવામાં આવશે તો ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપી છે.

 

 

 

વાપીમાં બગવાડા ટોલ પ્લાઝા ખાતે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિતના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી ટોલ પ્લાઝા પર વસુલતા ટોલ ટેક્સ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં ગંભીર આક્ષેપ કર્યા હતા કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે. અને હવે 100 ટકા ટેક્ષમાંથી માત્ર 40 ટકા ટેક્સ જ વસુલવાને બદલે છેલ્લા એક વર્ષથી સરકાર અને નેશનલ હાઇવે આથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 100 ટકા ટોલટેક્સ લઈ મહિને 500 કરોડ જેટલા પૈસાની લૂંટમાર કરી ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન ચાલકો સાથે ધોખાધડી કરી છે. જે બંધ થાય અને મુદત પૂર્ણ થયેલ 7 જેટલા ટોલ નાકા પર 21 દિવસની અંદર સરકાર 40 ટકા ટોલ લેવાની ફરજ પાડે જો તેમ કરવામાં નહિ આવે તો, ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ટોલ પ્લાઝા પર ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપશે.

 

 

બગવાડા ટોલ પ્લાઝા નજીક ભારતના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા એકત્ર થઈ યોજેલ પ્રચંડ મોરચા કાર્યક્રમમાં કોંગ્રેસ પર ટોલ પ્લાઝા ઉભા કરી કરોડોની કમાણી કરવાની દાનત હતી તેવા આક્ષેપ કરી હાલની વડાપ્રધાન મોદીની સરકારને અપીલ કરી હતી કે, મોદી સરકાર આ બાબતે સજાગ બની ટ્રાન્સપોર્ટરોના કરોડો રૂપિયા બચાવવામાં મદદરૂપ થાય.

 

 

કાર્યક્રમમાં AIMT દિલ્હી એસોસિએશનની કોર કમિટીના ચેરમેન બાલ મલકિત સીંગે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારત સરકારે આ લૂંટ માર કરી છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ અંગે રજૂઆત કરી છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે. તે કાયદા હેઠળ ટોલટેક્સ વસૂલવામાં આવે. અમે કોઈ ભીખ નથી માંગતા પરંતુ અમે રજૂઆત કરી રહ્યા છીએ કે જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે ત્યાં 100 ટકા ટેક્સ વસૂલવાને બદલે 40% વસૂલવાની જોગવાઈ વડાપ્રધાન વાજપેયી એ કરી હતી તે મુજબ ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવામાં આવે. અમારી લડાઈ હકની લડાઈ છે. જો તેનો ઉકેલ નહીં આવે તો અમે આગામી દિવસમાં ધરણા વિરોધ પ્રદર્શન કરીશું હાલમાં દર મહિને 400 થી 500 કરોડની લૂંટ થઈ રહી છે.

 

 

તો, જનરલ સેક્ટ્રેટરી સરમુગપ્પાએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સરકારે 15 વર્ષથી ટોલ લેવાની મુદત નક્કી કરી હતી. જે ટોલ પ્લાઝા પર મુદત પૂરી થઈ ચૂકી છે તેવા ટોલ પ્લાઝા પર હજુ પણ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. જે સો ટકા ને બદલે 40% લેવાનું વિધાન છે. જેના વિરોધમાં અમે 21 દિવસની મુદત આપતું આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ટોલ પ્લાઝા પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. દેશમાં અંદાજિત 640 ટોલ પ્લાઝા છે જેમાંથી 400 જેટલા ટોલ પ્લાઝા મુદત મુજબ બંધ થઈ ચૂક્યા છે. સરકાર તે અંગે યોગ્ય નિર્ણય લે તેમજ સરકારને વર્ષે દહાડે મેન્ટેનન્સ પેટે ટોલ પ્લાઝા પરથી 60 કરોડ રૂપિયા મળે છે. ટોલ પ્લાઝા પરથી 65 લાખ વાહનો દોડી રહ્યા છે. ત્યારે સરકાર જો વન ટાઈમ વન ટોલની નવી નીતિ અપનાવે અને આ જે કૌભાંડ આચરાયું છે તે અંગે વડાપ્રધાન મોદી ઇન્કવાયરી બેસાડે અને ન્યાય અપાવે તેવી માંગ છે.

 

 

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં વાપી નજીકના બગવાડા ટોલ પ્લાઝા, સહિત 7 ટોલ પ્લાઝા પર ટેક્સ વસુલાતની મુદત પૂરી થયા બાદ 40 ટકા ટેક્સ વસુલવાનો હતો. તેમ છતાં ટોલ પ્લાઝા પર 100 ટકા ટેક્સ વસુલાતો હોય એક ટ્રક પાછળ 3 હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા. જે હાલમાં નિયમ મુજબ 1 હજાર થાય એ રીતે ટોલ પ્લાઝા પર એક વર્ષમાં કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે. જેના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ હાલમાં 21 દિવસમાં યોગ્ય કરવાની રજુઆત કરતું આવેદનપત્ર આપ્યું છે. અને જો તેનો યોગ્ય નિર્ણય નહિ આવે તો, ટોલ પ્લાઝા પર ધરણા, વિરોધ પ્રદર્શન સહિતના જલદ કાર્યક્રમો આપી સરકારને ઘરેશે. કાર્યક્રમમાં વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના ભરત ઠક્કર, અરવિંદ શાહ સહિત જિલ્લાના અને રાજ્યના ટ્રાન્સપોર્ટરો, પ્રમુખ, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *