કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના PIB(પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો) અમદાવાદ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે રૂરલ મીડિયા વર્કશૉપ-વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાત અનુભવી વક્તાઓએ હાલમાં વધી રહેલા ડિજિટલ મીડિયાના પ્રભાવ અંગે તેમજ ફેક ન્યૂઝ પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ અંગે મીડિયા કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજી માર્ગદર્શન આપ્યું હતું. જો કે આ વાર્તાલાપમાં સેલવાસના અખબારી જગતના પત્રકારો, તંત્રીઓએ તેઓને પડતી મુશ્કેલીઓ અંગે બળાપો ઠાલવ્યો હતો. જેને કારણે ડિજિટલ મીડિયા પરના વાર્તાલાપનો મુદ્દો અખબારોને મળતી સરકારી જાહેરાતો, અખબારોની કોપી તરફ ફંટાઈ ગયો હતો.
કાર્યક્રમમાં સૌ પ્રથમ PIB, અમદાવાદના ADG પ્રકાશ મગદૂમ, સંસદ સભ્ય લાલુભાઇ પટેલ, ડેપ્યુટી કલેક્ટર ચાર્મિ પારેખ, ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર હનીફ મેહરી, ગુજરાત ગાર્ડિયનના વરિષ્ઠ પત્રકાર અશોક પટેલ, ડિજિટલ મીડિયા ‘સુરતીઝ’ના સ્થાપક કેયુર મોદી, PIB, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ પંડ્યા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી સેલવાસ, દમણ, વલસાડ જિલ્લાના પત્રકારોની ઉપસ્થિતિમાં વાર્તાલાપ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

PIB, અમદાવાદના ADG પ્રકાશ મગદૂમે સૌ મહેમાનો અને પત્રકારોને આવકારતા PIB ની ભૂમિકા સમજાવી હતી. તેમણે આવનારા કેટલાંક મહિનાઓમાં ચાલનારાં લોકોપયોગી અભિયાનોને માટે, ગાંધીનગરમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો માટે, ગુજરાતમાં આ મહિને થઈ રહેલા નેશનલ ગેમ્સ જેવા લોકોપયોગી કાર્યક્રમોને સફળ બનાવવા મીડિયાના સહયોગની અપીલ કરી હતી. મગદૂમે PIB ફેક્ટ ચેક યુનિટનો ખાસ ઉલ્લેખ કરી ફેક ન્યુઝનાં દૂષણને રોકવા માટે સૌનો સહયોગ માગ્યો હતો. તેમણે પત્રકારોને મીડિયા વેલ્ફેર ફંડ હેઠળ મળતા લાભોની માહિતી આપી હતી.

મગદૂમેં અને અન્ય વક્તાઓએ ડિજિટલ મીડિયાના વધતા પ્રભાવ અંગે તેમજ સાંપ્રત પ્રવાહમાં ડિજિટલ મીડિયાના સારા પાસા અંગે ચર્ચા કરવા જતાં અખબારના તંત્રીઓ, પત્રકારો ડિજિટલ મીડિયાના મહિમા મંથનથી અકળાયા હતાં. અને તેઓએ બળાપો ઠાલવ્યો હતો કે, ડિજિટલ મીડિયામાં મોટેભાગે ફેક ન્યૂઝ અને અધૂરી માહિતી પીરસવામાં આવે છે. જેના પર અંકુશ મુકવો જોઈએ, સંઘપ્રદેશ માં જે અખબારો પ્રકાશિત થાય છે. તેમાં કેટલાક એવા અખબારો છે. જેનું રજિસ્ટ્રેશન થયા બાદ તેને સરકારી જાહેરાતો મળે છે. આવા અખબારોની કેટલી કોપી વેંચાય છે? અખબાર છપાય છે કે કેમ? તે અંગે PIB દ્વારા કોઈ ચકાસણી કરવામાં આવતી નથી. આ અંગે યોગ્ય તપાસ કરવી જોઈએ.

દર મહિને જે રીતે PIB અખબારની કોપીઓ મંગાવે છે તે છેક અમદાવાદ સુધી આપવા જવું પડે છે. તો તેની વ્યવસ્થા સ્થાનિક પબ્લિસિટી ડિપાર્ટમેન્ટમાં થાય તો સમય અને ખર્ચ બચે તેવી રજુઆત કરી હતી. આજના બદલાતા યુગમાં પણ ડિજિટલ મીડિયાના પ્રભાવ ને સ્વીકારવાને બદલે તેના પર રીતસરનો બળાપો કાઢતા વાર્તાલાપ નો મૂળ વિષય વિસરાઈ ગયો હતો. છોભિલા પડી ગયેલા PIB ના અધિકારીઓ, વક્તાઓએ મૂળ વાર્તાલાપ ને ત્યજી તેમની મુશ્કેલીઓના યોગ્ય ઉકેલની ખાતરી આપી કાર્યક્રમનો અંત આણ્યો હતો.

વાર્તાલાપ કાર્યક્રમમાં દમણ અને દીવના સાંસદ લાલુભાઇ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની વિકાસ ગાથામાં મીડિયાની રચનાત્મક ભૂમિકા રહી હોવાનું જણાવી આજે પણ તેમને અખબાર વાંચ્યા વિના ચેન પડતું નથી તેમના વિસ્તારના પ્રશ્નો અને જરૂરિયાતોની માહિતી મીડિયા થકી મળતી હોવાનું સ્વીકાર્યું હતું.

સેલવાસનાં ડેપ્યુટી કલેક્ટર ચાર્મિ પારેખે મીડિયા પાસે પાવર છે અને પાવર જવાબદારી લઈને આવે છે એ ભૂલવું ન જોઇએ તેવી ટકોર કરી, ડિજિટલ મીડિયા આજના સમયમાં મહત્વનો મુદ્દો છે અને આજે તેના પર ચર્ચા થઈ રહી છે એ સારી વાત હોવાનું જણાવ્યું હતું.

‘ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર હનીફ મેહરીએ ‘ચોથી જાગીર- સતત બદલાતા સ્વરૂપો’ વિષય પર પોતાનાં શાયરાના અંદાજમાં ચોથી જાગીરના ઇતિહાસ, વ્યુત્પત્તિ અને સાંપ્રત પ્રવાહોની માહિતી આપી હતી. પત્રકારે તથ્ય અને સત્ય આધારિત સમાચારો લખવા જોઇએ અને પોતાની લક્ષ્મણ રેખા જાતે જ દોરવી જોઇએ તેવો અનુરોધ કર્યો હતો.

ગુજરાત ગાર્ડિયનના વરિષ્ઠ પત્રકાર અશોક પટેલે ‘નવા/સોશિયલ મીડિયાનાં કારણે બદલાતા મીડિયા પરિદ્ર્શ્ય’ પર વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે બદલાતા સમયમાં પ્રિન્ટ મીડિયા સામે અસ્તિત્વનો પડકાર ઊભો થયો છે. આફતના સમયે સોશિયલ મીડિયાએ તેની ઉપયોગિતા સિદ્ધ કરી છે છતાં સામે તરફ ફેક ન્યુઝ બાબતે સરકાર પણ ચિંતિત હોવાનું જણાવ્યું હતું.

ડિજિટલ મીડિયા ‘સુરતીઝ’ના સ્થાપક કેયુર મોદીએ ‘ડિજિટલ મીડિયા: પત્રકારત્વમાં નવો યુગ’ વિષય પર વિવિધ ડિજિટલ ઇન્ટર મીડિયરીઝ પ્લેટફોર્મ્સ, અલ્ગોરિધમ અને ન્યુઝ પ્રેઝન્ટેશન પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડેટા નવા યુગમાં કિંગ છે. ડિજિટલ મીડિયાએ ટકી રહેવા માટે વિશ્વાસ અને પ્રમાણભૂતતા ઊભા કરવા આવશ્યક હોવાનું જણાવી સરકારની સાથે ઇન્ટરમીડિયરીઝ પણ ફેક ન્યુઝ બાબતે સજાગ હોવાનું જણાવ્યું હતું.
મહત્વના સમાચારોમાં મીડિયાને દૂર રાખવાની ચેસ્ટા પર રજૂઆતો કરી……..
ઉલ્લેખનીય છે કે, PIB આયોજિત આ કાર્યક્રમમાં તમામ વક્તાઓને સાંભળ્યા બાદ સેલવાસ, દમણ, દક્ષિણ ગુજરાતના મીડિયાકર્મીઓએ સ્થાનિક લેવલે અધિકારીઓ દ્વારા અપાતી અધૂરી માહિતી, મહત્વના સમાચારોમાં મીડિયાને દૂર રાખવાની ચેસ્ટા પર રજૂઆતો કરી તેઓને પડતી સમસ્યાઓનો બળાપો ઠાલવ્યો હતો.