દમણ-દીવમાં હાલમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વિજય મેળવી સાંસદ બન્યા છે. ત્યારે, તેમની આ જીત બદલ બાઇક રેલી યોજી દમણમાં ઘરેઘરે જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા હતાં. આ પ્રસંગે ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, આ જીત એ જનતાની જીત છે. જનતાએ જ તેને કઠિન અને વિપરીત પરિસ્થિતિમાં જંગી બહુમતીથી જીત અપાવી છે. જનતાએ બોલીને નહીં પણ તેમના તરફી મતદાન કરી સાથ સહકાર આપી આ જીત અપાવી છે. જે માટે દમણ દિવની જનતાનો આભાર માનવા નીકળ્યા છે. તેમના સમર્થકો દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી સાથે તેઓ તમામ વિસ્તારમાં ફર્યા હતા. વડીલોના આશીર્વાદ લીધા હતા અને જીત અપાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. ઉમેશ પટેલે દમણની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ દરેકના ઘરે ઘરે જઈ રહ્યા છે. તેમની સમસ્યા જાણશે. જનતાએ રાખેલો વિશ્વાસ પૂર્ણ કરવાની સંપૂર્ણ કોશિશ કરશે. દીવમાં પણ બે દિવસ પહેલા આ પ્રકારની બાઇક રેલી કાઢવામાં આવી હતી અને દીવની જનતાનો આભાર માન્યો હતો. જનતા ની જે પણ અપેક્ષા છે તે પૂરી કરવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. નવી સરકાર અંગે તેમણે જણાવ્યું હતું કે સ્ટેબલ સરકાર બને અને દેશ વિકાસના પંથે આગળ લઈ જાય તે પણ જરૂરી છે. મેં પણ જે વચન આપ્યા છે તે પૂરા કરવાની કોશિશ કરીશ.તો, અપક્ષ સાંસદ તરીકે તે કઈ પાર્ટીને સમર્થન આપશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલ બંને પાર્ટી સાથે તેમની વાત ચાલી રહી છે. જે પક્ષ તેમના જે પ્રશ્નો છે. તેના નિરાકરણની ખાતરી આપશે તેની સાથે રહેશે. આ ચૂંટણી લડવાનો તેમનો ઉદેશ્ય દમણ દીવમાં જે પ્રશાસનિક તાનાશાહી છે તેની સામેની લડાઈ છે. અને તે માટે જે પક્ષ ખાતરી આપશે તેની સાથે રહેશે.