Saturday, February 1News That Matters

વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશનના નવા કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન, કાર્યાલયમાં સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવશે

વાપીના અમીધારા કોમ્પ્લેક્ષ ખાતે બિહાર વેલફેર એસોસિએશન દ્વારા તેમના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બિહાર વેલફેર એસોસિએશનના પ્રમુખ વિપુલસિંગ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, બિહારના સામાજિક આગેવાનો, વાપી VIA ના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રથમ દિવસે કાર્યાલયને ખુલ્લુ મુકવાનું હોય ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામે ભગવાન સત્યનારાયણની આરતી ઉતારી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ કાર્યાલય સમાજ ઉપયોગી કાર્યો માટે સદાય ઉપયોગી નીવડે તેવા આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યાલય ઉદ્ઘાટનના પ્રસંગે બિહાર વેલફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે બિહાર વેલફેર એસોસીએશન વાપીને વર્ષો બાદ પોતાના નવા કાર્યાલયની ભેટ મળી છે. નેશનલ હાઇવે નંબર 48 પર અમીધારા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ આ કાર્યાલયમાં સમાજની મિટિંગો ઉપરાંત સામાજિક કાર્યક્રમના આયોજન અંગે બેઠકો કરવામાં આવશે.

ગરીબ કલ્યાણ માટે આયુષ્માન કાર્ડ વોટીંગ કાર્ડ જેવી સુવિધા પૂરી પાડવા વિશેષ સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે. સમાજના દરેક ગરીબ લોકોની સમસ્યાનું નિવારણ થાય તેવા ઉદેશ્યથી આ કાર્યાલય ની ભેટ મળી છે. ત્યારે તેમાં વિશેષ બેઠકો યોજી સામાજિક સેવા કાર્યની સરવાણી વહાવતા રહેવાનો ઉદ્દેશ્ય સેવામાં આવ્યો છે.

આ પ્રસંગે 14 મી ફેબ્રુઆરીએ વસંત પંચમી હોય આ દિવસે સરસ્વતી પૂજન નું ખૂબ જ મહત્વ છે જેને ધ્યાને રાખીને બિહાર વેલફેર એસોસિએશન દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સરસ્વતી માતાજીની વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા રાજકીય આગેવાન અને ગાયક કલાકાર મનોજ તિવારી પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે. વસંત પંચમીના સરસ્વતી પૂજનના આ કાર્યક્રમને ભવ્ય બનાવવા કાર્યાલયના પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવી હતી. વાપીના દરેક સમાજના લોકો તેમાં ભાગ લે તે માટે અપીલ કરવામાં આવી હતી.

કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે બિહાર વેલફેર એસોસિએશનના હોદ્દેદારો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કપીલ સ્વામી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના માજી પ્રમુખ કમલેશભાઈ પટેલ ઉપરાંત બિહારથી વાપીમાં આવીને વાપીને કર્મભૂમિ બનાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *