વલસાડ જિલ્લાની ઔરંગા નદીમાં આવેલા ધસમસતા પાણીના પ્રવાહને કારણે ઘડોઈ નજીક મંદિરે દર્શન કરવા ગયેલા યુવક-યુવતી ફસાયા હતા. જેને NDRF વડોદરાની 6 બટાલિયનની ટીમે રેસ્ક્યુ કર્યા હતાં. યુવક-યુવતી મંદિર પર દર્શન કરવા ગયા હતા ત્યારે ઔરંગા નદીનો પ્રવાહ વધતા યુવક અને યુવતી ફસાયા હતા. ઘટનાની જાણ થતા તંત્રએ NDRF ટીમને મદદ માટે બોલાવી હતી. NDRFની ટીમે દિલઘડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી યુવક અને યુવતીને બચાવી લઈ હેમખેમ કિનારે લાવ્યાં હતાં.
NDRF ની ટીમ તરફથી અપાયેલ વિગતો મુજબ
વલસાડના ઘડોઈ પાસે આવેલ મંદિરમાં લોકો પગપાળા દર્શન માટે જાય છે. જેમાં આજના વરસાદી માહોલ દરમ્યાન એક યુવક અને યુવતી દર્શન માટે પહોંચ્યા હતા. જે સમય દરમ્યાન ગત રાત્રિથી ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ઔરંગા નદીનું જળસ્તર વધ્યું હતું. જળસ્તર વધતા યુવક-યુવતી મંદિર પર જ ફસાઈ ગયા હતા.

જેની જાણ તંત્રને થતા તંત્ર દ્વારા NDRFની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી. વલસાડમાં જ સ્ટેન્ડ બાય રહેલી NDRFની ટીમ તરત જ બોટ સાથે ઘડોઈ પહોંચી હતી. ટીમના જવાનોએ નદીના સામે કાંઠે મંદિર પર ફસાયેલા યુવક-યુવતીનું રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરી હતી. એક તરફ યુવક-યુવતીને ફસાયેલા જોઈ ગામલોકો પણ નદીકાંઠે એકઠા થયા હતા. ત્યારે, અને ઔરંગા નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં NDRF ના જવાનોએ બોટમાં બેસી ધસમસતો પાણીનો પ્રવાહ કાપી મંદિર સુધી પહોંચી યુવક-યુવતીને સલામત રીતે બોટમાં બેસાડી પરત કાંઠે લાવ્યાં હતાં.

NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયેલ યુવક-યુવતી…..

જીવસટોસટના આ દિલધડક રેસ્ક્યુનો નજારો ઉપસ્થિત ગામલોકોએ નિહાળ્યો હતો. અને વડોદરા NDRFની ટીમના વિજય સિંગ સહિત ટીમને અભિનંદન આપી તેમના કાર્યની સરાહના કરી હતી. વિજય સિંઘે પણ લોકોને ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે નદીના તટ વિસ્તારથી દૂર રહેવા ભલામણ કરી હતી.