ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હાલ તમામ પક્ષો સ્ટાર પ્રચારકો સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આ વિધાનસભા ચૂંટણી ભાજપ કોઈપણ હિસાબે જીતવા માગતી હોય તેમણે સ્ટાર ચુંટણી પ્રચારકોને મેદાનમાં ઉતારી જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. જે અંતર્ગત ઉત્તર પ્રદેશમાં NDA ની ઘટક દલ મનાતી નિષાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ. સંજય નિશાદ ચાર દિવસ ગુજરાતના વિવિધ શહેરોમાં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરશે.
જેના આયોજનને ધ્યાનમાં રાખીને નિષાદ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય શુક્લા દ્વારા વાપી અને તેની આસપાસના વિસ્તારમાં વસતા યુપીના લોકોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરાઈ રહી છે. તેમજ ડૉ સંજય નિશાદના ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.
આ અંગે વધુમાં નિષાદ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા સંજય શુક્લાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી NDA ની ઘટક પાર્ટી છે. નિશાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ. સંજય નિશાદ ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી છે. જેઓ આગામી 26મી નવેમ્બરથી 29 મી નવેમ્બર સુધી ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં ભાજપ તરફથી ચૂંટણી પ્રચાર કરવાના છે.
આ ચૂંટણી પ્રચારમાં વલસાડ જિલ્લામાં રહેતા ઉત્તર પ્રદેશના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને ભાજપને મત આપી ફરી એકવાર ગુજરાતમાં ભાજપને સત્તા પર લાવે તે માટે અપીલ કરી આમંત્રણ પાઠવ્યું હતું. તો નિષાદ પાર્ટી તરફથી ગુજરાતના વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં તેમના પ્રાંતિય અધ્યક્ષો અને કાર્યકરો પણ પ્રચાર કરવા માટે ગુજરાતના જિલ્લાઓમાં આવ્યા છે. જે અંતર્ગત વાપીમાં નિષાદ પાર્ટીના અધ્યક્ષના આદેશ મુજબ પ્રાંતીય અધ્યક્ષ બાબુરામ નિશાદ અને વ્યાસમુનિ નિશાદ વાપીની મુલાકાતે આવ્યા હતા. વાપીમાં નિષાદ પાર્ટીના કાર્યકરોએ ઉત્તર પ્રદેશ સમાજના આગેવાનો સાથે બેઠકો યોજી ગુજરાતની આ વિધાનસભામાં ભાજપને બહુમતી અપાવી ભવ્ય વિજય અપાવવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં નિષાદ પાર્ટી એનડીએ ની ઘટક દલ પાર્ટી છે. તેમના 11 જેટલા ઉમેદવારોમાંથી MP, MLA છે. આ વિસ્તારમાં તેઓએ માછીમારો સાથે અને અન્ય લોકો સાથે બેઠકો કરી ભાજપને વિજય બનાવવા ભાજપ તરફી ચૂંટણી પ્રચાર કરશે.