નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રખડતા ઢોરો ખેતી તેમજ રહેણાંક વિસ્તારમાં ભારે નુકસાન કરી રહ્યા છે. જેને અટકાવવા માટે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા ઇરાદાપૂર્વક ઢોરોને છોડી મૂકનારા ઢોર માલિકો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે.
પંચાયત વિસ્તારમાં જાનમાલને નુકસાન કરતા હોય તેમજ ઢોરો જાહેર માર્ગ ઉપર અડિંગો જમાવી બેઠેલા હોવાથી અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આવા ઢોરો કસાઈ દ્વારા ચોરી થવાની ઘટના પણ ઉમરગામ તાલુકામાં અનેક બનતી હોય છે. જાહેર માર્ગ ઉપર ઢોરોની તથા ગ્રામજનોની સલામતી તેમજ ઢોરો દ્વારા ખેતીમાં થતું નુકસાન અટકાવવા ઢોરોને છૂટા મુકનારા ઢોર માલિકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

ગામમાં રખડતા પશુઓ ગામના સ્વયંસેવકો, ગ્રામ મિત્રોની મદદથી પકડી પાડી ગૌશાળા પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી પણ પંચાયતે શરૂ કરી છે, જેના ભાગરૂપે તારીખ 15 નવેમ્બરને બુધવારના રોજ નારગોલ વિસ્તારથી રખડતા ગાય વાછરડાને પકડી ટેમ્પોના માધ્યમથી ઉમરગામ સ્થિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવી હતી. ગ્રામ પંચાયત નારગોલના આ કાર્યમાં ઉમરગામ સ્થિત ગૌશાળા હરહંમેશની જેમ મદદરૂપ સાબિત થઈ હતી.

ગૌશાળાથી રમણલાલ પુરોહિત તેમની ટીમ સાથે નારગોલ ખાતે આવી પહોંચ્યા હતા. નારગોલ ગામના ગ્રામ મિત્રો સાથે મળી ગાય અને વાછરડાને પકડી ટેમ્પોમાં મૂકી ગૌશાળા ઉમરગામ ખાતે લઈ જવામાં આવી હતી. ગ્રામ પંચાયત વિસ્તારમાં રખડતા ઢોરો ઉપર અંકુશ લાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાને ગ્રામજનો એ વધાવ્યા છે અને પૂરતો સહકાર આપી રહ્યા છે. કેટલાક સ્થાનિકો જ પોતાના ઢોરો છૂટા મૂકી રહ્યા છે એવા સ્થાનિકોને પોતાના ઢોરો છુટા ન મુકવા ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી યતીન ભંડારીએ અપીલ કરી છે.

સહકાર ન આપનાર ઢોર માલિકો સામે જરૂર પડીએ કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીરપણે નોંધ લેવા જાણ કરી છે. ગામમાં નુકસાન કરતા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ ગૌશાળામાં મોકલવાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે આવા ઢોરોને ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલ્યા પછી કોઈપણ ઢોર માલિકની દલીલ સ્વીકારવામાં આવશે નહીં તેમ એક યાદી સ્વરૂપમાં ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી યતીન ભંડારીએ જણાવ્યું છે.