વાપી :- વલસાડ જિલ્લાના વાપી વલસાડના ડુંગરી વિસ્તારમાં ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો NCB ની ટીમે રેઇડ કરી હતી. રેઇડમાં 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત NCB ની ટીમે ડ્રગ સિન્ડિકેટ સામે 20 કલાકથી વધુ સમયનું ઓપરેેેશન હાથ ધરી ‘ગુપ્ત સાયકોટ્રોપિક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ’નો પર્દાફાશ કર્યો છે. આ યુનીટમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઉત્પાદન કરી રાજ્ય અને દેશના અલગ અલગ સ્થળોએ સપ્લાય કરવામાં આવતું હોવાના અંદેશા સાથેની અખબારી યાદી NCB એ બહાર પાડી છે.
NCB એ આપેલી વિગતો મુજબ તેમને બાતમી મળી હતી કે વાપી વલસાડના ડુંગરી વિસ્તારમાંથી વાપી-પારડીના રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સની ડિલિવરી ચાલી રહી છે. જે બાતમી આધારે અધિકારીઓની ટીમે રેઇડ કરી 02 લોકોની ધરપકડ કરી હતી. એમના કબજામાંથી 4.5 KG MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં NCBની ટીમોએ આરોપીઓના અલગ અલગ સ્થળો પર તપાસ કરી 85 લાખ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરી હતી.
NCB એ 4.5 KG ડ્રગ્સ સાથે બંને ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ દવાઓના ગેરકાયદે વેચાણની આવક હોવાની શંકા સેવી છે. પકડાયેલ બંને ઇસમોમાં એકનું નામ પ્રકાશ પટેલ છે. જે પોતાની મેન્યુફેક્ચરિંગ કંપનીમાં આ ડ્રગ્સ તૈયાર કરતો હતો. અને પકડાયેલ બીજો આરોપી સોનુ રામનિવાસ તે ડ્રગ્સનું માર્કેટિંગ કરતો હતો.
હાલ NCB એ બંને આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ NCB ની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્ટેલ પર નજર રાખી રહી હતી જેના પરિણામે આ સફળતા મળી છે. NCB એ હાલ મેન્યુફેક્ચરિંગ યુનિટનો ભંગ કરવાનો ગુન્હો નોંધ્યો છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો છે. જેમાં ડ્રગ્સના મોટા જથ્થા સાથે મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી હોય, NCB આ ગેરકાયદેસર ડ્રગ નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયું છે. કોણ કોણ તેમાં સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, એમડી અથવા મેફેડ્રોન વ્યસનકારક છે અને માદક ડ્રગનું સેવન કરનારાઓમાં તેની ખૂબજ માંગ છે. દેશમાં તે પ્રતિબંધિત છે. અને જો કોઈ વ્યક્તિ પાસેથી મળે અથવા તેનું ગેરકાયદેસર વેંચાણ કરવામાં આવતું હોય તો તેવા લોકો સામે NDPS કાયદાની કડક જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈઓ સામેલ છે.