Sunday, December 22News That Matters

વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલ ઈદગાહ અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ‘ઈદ-ઉલ-ફિત્ર’ની નમાઝ અદા કરી 

 

ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસના કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત પૂર્ણ કર્યા બાદ સોમવારે ઈદના ચાંદના દીદાર કરી મંગળવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલા ઈદગાહ પર તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે એકબીજાને ઇદની મુબારક બાદી આપી દેશમાં એકતા-ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરી હતી. 

 

 

 

અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા બાદ મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ મંગળવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ તેમના મર્હુમોની કબર પર ફૂલ ચઢાવ્યા હતાં. તેમજ નમાઝ પઢી અલ્લાહની બંદગી કરી એક-બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી.

 

 

વાપી ટાઉન સ્થિત ઈદગાહમાં મૌલાના મઆજ અબ્દુલ રહેમાન મહેસાણીયા દ્વારા ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ દિવસ રમઝાન ના રોઝા પૂર્ણ કર્યા પછીનો ખુશીનો દિવસ છે. દરેક શહેર, જિલ્લો, રાજ્ય, દેશ અને દુનિયામાં આપસી ભાઈચારો જળવાય લોકો એકબીજાના હમદર્દ બને તે આ ઇદની નમાજનો સંદેશ છે. વાપીમાં પણ તમામ લોકોના સહકારથી શાંતિપૂર્ણ માહોલમાં રમઝાન ઇદની નમાઝ પઢવામાં આવી હતી. ગરીબ પરિવારો પણ ઇદની ઉજવણી કરી શકે તે માટે ફિત્રની રકમ એકઠી કરવામાં આવી હતી.

 

 

તો મુસ્લિમ સમાજના અગ્રણી પીરું મકરાણી, ઇન્તેખાબ ખાને વાપીની તમામ જનતાને ઇદની મુબારક બાદી પાઠવતા જણાવ્યુ હતુ કે, વાપી અને વલસાડ જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરતો જિલ્લો છે. વાપી સંસ્કારી અને વિકાસ કરતી નગરી છે. અહીં દરેક સમાજ કોમી એખલાસ ની ભાવનાથી રહે છે. બહારની કમાવા આવ્યા બાદ અહીં જ વસી ગયેલા હજારો લોકો હળીમળીને રહે છે. આવનારા સમયમાં પણ આ શાંતિને ડહોળવા પ્રયાસ કરનારા તત્વોથી સાવધાન રહી વાપીને વધુ વિકાસના પંથે લઈ જાય તેવી દુઆ સાથે તમામને ઇદ ની શુભેચ્છા પાઠવી હતી.

 

 

ઉલ્લેખનીય છે કે આજના ઇદ ઉલ ફિત્ર ની નમાઝ માટે વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ ઈદગાહ ઉપરાંત, સી’ ટાઈપ, ડુંગરા ઈદગાહ તેમજ તમામ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી એકબીજાને ગળે લગાડી ઇદની શુભકામના પાઠવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *