Friday, October 18News That Matters

સંઘપ્રદેશ DNH માં અસહ્ય વીજ દર વધારા સામે સાંસદની ઊર્જા મંત્રીને રજૂઆત

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પ્રશાસન દ્વારા વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે બાદ ખાનગી કંપનીએ વીજ વધારા સાથે સરચાર્જ અને એફપીપીસીએનો વધારાનો બોજ વીજ ગ્રાહકો પર ઝીંકી દીધો છે. જેને લઈને દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહને રજૂઆત કરી વિજગ્રાહકોના માથેથી વીજદરનો ભાર હળવો કરાવવાની માગ કરી છે.
સાંસદ કલાબેન ડેલકરે ઊર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી બાહુલ આદિવાસી વિસ્તાર છે. અહીં પ્રજાના ઉત્થાન માટે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા વેપારી સંસ્થાન અને નાના મોટા ઉદ્યોગોને ઓછા દરે વીજળી આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર નામની કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાતા હવે ઘરેલૂ વીજ વપરાશ તેમજ ઔદ્યોગિક અને ખેતી સહિત દરેક વીજદરમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
પેટ્રોલ, ડીઝલ, ગેસની સાથે પ્રદેશમાં પ્રોપર્ટી ટેક્સ, હાઉસ ટેક્સના કમરતોડ વધારાથી જનતા ત્રસ્ત છે તેવા સંજોગોમાં વીજ વધારાનો બેવડો માર અસહ્ય છે. અગાઉ પ્રશાસને ગરીબી રેખા નીચે જીવતા ગરીબ આદિવાસી પરિવારોને નિમ્ન દરે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. જ્યારે હવે વિજદરમાં વધારો થતાં સામાન્ય પરિવારો સાથે ખેડૂતો અને ઉદ્યોગકારો નું બજેટ ખોરવાયું છે.
દાદરા નગર હવેલીમાં અનેક નાનામોટા ઉદ્યોગો ધમધમે છે. વીજ વધારા બાદ આ ઉદ્યોગોનું પલાયન થશે તો તેની માઠી અસર અહીંના લોકોની નોકરી કે ધંધા રોજગાર પર થશે. જેનાથી પ્રદેશમાં મોટું સંકટ ઉભુ થશે.જેથી ટોરેન્ટ પાવર કંપની દ્વારા કરવામાં આવેલા વીજ વધારા બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી પુનઃ વિચાર કરવાનો આદેશ જારી કરવામાં આવે તેવી માગ સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહને રજૂઆત કરી વિજગ્રાહકોના માથેથી વીજદરનો ભાર હળવો કરાવવાની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *