વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ-1 અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો કરી હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.
બેઠકમાં વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠે રેતીખનન માફિયાઓ દ્વારા બેફામ રીતે થઈ રહેલા ખનનથી કાંઠે રહેતા લોકોને મુશ્કેલી પડી રહી હોવાનો પ્રશ્ન સામૂહિક રીતે સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉઠાવી કહ્યું કે, જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના રક્ષણ માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવી પણ સતત રેતી ખનનના કારણે પથ્થરો પણ ટકી શકયા નથી. અનેક ગામના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. જેથી રેતી માફિયાઓ સામે કડક પગલાં ભરવા જરૂરી છે. જેના જવાબમાં નાયબ પોલીસ અધિક્ષક વી.પી.પટેલે કહ્યું કે, આ મામલે સ્થળ નિરિક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે કહ્યું કે, દાંતીમાં રેતી માફિયાઓએ ગ્રામજનોને ધમકી આપી છતાં પોલીસ દ્વારા પગલાં લેવાયા નથી. ગ્રામજનો ભયભીત છે જેથી તેઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું.
ધારાસભ્ય પટેલે વધુમાં ટાવરથી ધોબીતળાવ જતા રોડ પર વધી રહેલા દબાણને દૂર કરવા માટે, ધારાસભ્ય રમણલાલ પાટકરે સેટેલાઈટ માપણીની પેન્ડિંગ અરજીનો જલદી નિકાલ કરવા. સેટેલાઈટ માપણીથી અનેક લોકોના નામ જમીન માલિક તરીકે ચઢી ગયા છે, જલદી પગલાં ન લેવાશે તો તેઓ જમીન વેચી મારશે અથવા તેના પર લોન લઈ લેશે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ધરમપુરની માધ્યમિક શાળા ધામણીમાં ચાલી રહેલી પાળી પધ્ધતિને બંધ કરી જગ્યા ફાળવવા, વિલ્સન હિલ ખાતે વિકાસના તમામ કાર્ય પુરા કર્યા બાદ હવે વીજ જોડાણ આપવા જણાવતા આ બાબતે કલેકટરે વિલ્સન હિલ પ્રવાસન સમિતિને આ મુદ્દે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બેઠકના પ્રારંભે તા.4 થી 18 જુલાઈ સુધી જિલ્લામાં યોજાનારી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંગે કલેકટરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી સવિસ્તાર માહિતી આપી રથ યાત્રાના રૂટ અને રથયાત્રા પહેલા અને ત્યાર બાદ શું કામગીરી કરી તે અંગે માહિતી આપી હતી. ચોમાસાની સિઝનનો પ્રારંભ થનારો હોવાથી તે અંગે પણ તકેદારી રાખી કામગીરી કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું.
ભાગ-2 માં કલેકટરે નિવૃત્ત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસો, આગામી 24 માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.