વાપીમાં મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) દ્વારા વલસાડ જિલ્લામાં રક્તની તંગી નિવારી, જિલ્લાની બ્લડ બેંકમાં પૂરતું રક્ત મળી રહે તે માટે 2 ઉદ્યોગો માં દર મહિને 200 યુનિટ આસપાસ રક્ત એકત્ર કરવાની અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત શનિવારે મોરાઈ સ્થિત અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ ખાતે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું.
આ અનોખી પહેલ અંગે અમીગો ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને MIA ના જોઈન્ટ સેક્રેટરી કનૈયા અગ્રવાલે અને ડાયરેકટર યશ અગ્રવાલે જણાવ્યું હતું કે, MIA સાથે જોડાયેલ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. જેઓ રક્તદાન કરવા આગળ આવે અને તેના થકી વલસાડ જિલ્લાના રક્તદાન કેન્દ્રમાં ઉભી થતી લોહીની તંગી નિવારી દર્દીઓનો જીવ બચાવી શકીએ તેવા ઉદેશયથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે દર મહિને 2 ઔદ્યોગિક એકમો માં યોજાશે. આજથી તેનો પ્રારંભ કરી અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ ખાતે રક્તદાતા કામદારોના સહકારથી પ્રથમ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્યોગોની આ અનોખી પહેલને ખુલ્લી મુકવા રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ, MIA, VIA ના પ્રમુખ, સભ્યો, સેક્રેટરી, ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કનુભાઈ દેસાઈએ પણ MIA ની આ પહેલા બદલ શુભેચ્છા પાઠવી, રક્તદાતાઓને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતાં. તો, વેલસ્પન ઇન્ડિયા લીમીટેડ હોમ ટેકસટાઇલના પ્રેસિડેન્ટ્સ, બિઝનેસ હેડ સંજય કાનુંગોએ પણ આ પહેલમાં તેમના કામદારો સહભાગી બન્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી. તેમજ રાજ્યના નાણાપ્રધાન જ્યારે આ પહેલ ને સારી પહેલ ગણી ઉદ્યોગકારો સાથે તાલમેળ જાળવી સામાજિક જવાબદારીઓની સરાહના કરી રહ્યા હોય ત્યારે ઉદ્યોગકારો પણ વધુમાં વધુ સામાજિક જવાબદારી નિભાવી કામદારોના પરિવારોના આર્થિક ઉથ્થાનમાં મદદરૂપ થઇ રહ્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી.
મોરાઈ સ્થિત વેલસ્પન ઇન્ડિયા લીમીટેડ હોમ ટેકસટાઇલ ખાતે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું વેલસ્પન ઇન્ડિયા લીમીટેડમાં કામ કરતા બહેરા-મૂંગા કુશળ કારીગરોના હસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ નાણાપ્રધાન ના હસ્તે કુશળ કારીગરો, CSR એક્ટિવિટી હેઠળ પોતાની આગવી પ્રતિભાના દર્શન કરનાર વિદ્યાર્થીનું, રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ દરમ્યાન વેલસ્પન ઇન્ડિયા લિમિટેડના મોરાઈ પ્લાન્ટના મેનેજર, પ્લાન્ટ હેડ સહિતના આગેવાનોએ નાણાપ્રધાન નો તેમજ અન્ય તમામ ઉદ્યોગપતિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.