Friday, January 31News That Matters

કપરાડામાં મોદીનો ચૂંટણી પ્રચાર ‘A ફોર આદિવાસી’ અને ‘આ ગુજરાત મારુ છે’ ના નવા મોદીમંત્ર સાથે ગજાવી ચૂંટણી જનસભા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડા તાલુકાના નાનાપોન્ઢા ખાતે પ્રથમ ચૂંટણી લક્ષી જાહેર સભાને સંબોધન કર્યું હતું. નાનાપોન્ઢાના જંગલ મંડળી મેદાન ખાતે આયોજિત ભાજપની ચૂંટણીલક્ષી જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ  ‘A ફોર આદિવાસી’ અને ‘આ ગુજરાત મારુ છે’ ના નવા સૂત્ર સાથે ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરી ગુજરાતમાં ફરી એકવાર ભાજપને જીત અપાવવા અને ગુજરાતને વિકાસની ઉંચાઈએ લઈ જવા અપીલ કરી હતી.
ગુજરાતને બદનામ કરવાના પ્રયાસો કરનારાઓને ગુજરાતની જનતાએ વાળી-ચોળીને સાફ કરી નાખ્યા છે. ગુજરાતને બદનામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઈ છે. ગુજરાતમાં માત્ર કમળ જ ઉમેદવાર છે.  ગુજરાતને ગુજરાતની જનતાએ ગુજરાત બનાવ્યું છે. ગુજરાતીઓના સહકારથી જ ગુજરાત પ્રગતિ કરે છે. ગુજરાતને સમૃદ્ધિના પંથે લઈ જવામાં મદદ કરી રહ્યા છે. આવા અનેક તીખા વાકબાણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ની વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતાં. તો, સાથે સાથે ‘આ ગુજરાત મારુ છે’ નો નવો મોદી મંત્ર આપતો હતો.
નાનાપોન્ઢાના જંગલ મંડળી મેદાન ખાતે આયોજિત ભાજપની ચૂંટણીલક્ષી જાહેરસભામાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરી સહિત વલસાડ જિલ્લાના પ્રમુખ, આગેવાનો કાર્યકરો અને ઉપસ્થિત જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. ચૂંટણી પ્રચારની આ જાહેરસભામાં મોદીએ ગુજરાત માં ભાજપ સરકારની વિકાસની ગાથા રજૂ કરી ધરમપુર-કપરડામાં વર્ષો પહેલા કરેલા સાયકલ પરના પ્રવાસને યાદ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધન કરતી વખતે સૌ પ્રથમ ભારત માતાની અને તાડકેશ્વર મહાદેવની જય બોલાવી જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનો ઉત્સવ અવિરત ચાલી રહ્યો છે. અને હવે, લોકતંત્રના ઉત્સવના મંડાણ થઈ રહ્યા છે. ભાજપના આગેવાનો અને ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ભાઈઓ-બહેનો તેમજ દરેક ગુજરાતીએ ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. આ વખતે  જુના બધા રેકોર્ડ તોડવાનું મન બનાવી લીધું છે. નરેન્દ્ર કરતા ભુપેન્દ્ર નો રેકોર્ડ જોરદાર હોય તે માટે આ ચૂંટણીમાં ગુજરાત ભાજપ જેટલો સમય માંગશે એટલો હું આપીશ તેવી ખાતરી આપી હતી.
મોદીએ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અહીંના ક્ષેત્રમાં વર્ષો સુધી રહીને પ્રવાસો કર્યા છે. આપ લોકોની વચ્ચે રહીને ઘણું બધું શીખવાનું મળ્યું છે. ગુજરાતના લોકોએ ખંભે ખંભા મેળવીને ગુજરાતનો વિકાસ કર્યો છે. ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશનની સેવાને યાદ કરી ગુજરાતમાં ભાજપે પ્રજાલક્ષી જે યોજનાઓ અમલમાં મૂકી છે તેની ગાથા રજૂ કરી આદિવાસી સમાજ, માછીમાર સમાજ અને વેપારીઓનો આભાર પ્રગટ કર્યો હતો.
ભાજપની સરકાર સત્તામાં આવી તે વખતના સારા નરસા પ્રસંગો ને યાદ કરતા મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના આદિવાસીઓ તેમના હૈયે વસ્યા છે. તેમના માટે અંગ્રેજીનો પ્રથમ ‘A’ એટલે ‘A ફોર આદિવાસી’ છે. શિક્ષણ, રોજગારી, સ્વાસ્થ્ય, ખેતી જેવા અનેક ક્ષેત્રમાં ભાજપે કામ કર્યા છે. ઘરે ઘરે વીજળી પહોંચાડી છે. નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે. એટલે ગુજરાતનો દરેક ગુજરાતી કહે છે કે ‘આ ગુજરાત મારુ છે’. નો નવો મોદી મંત્ર આપ્યો હતો. તેમજ આજની પેઢી અને આવનારી પેઢી ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણી લક્ષી જાહેર સભામાં વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ પોતાના સંબોધનમાં આ ચૂંટણીમાં ભાજપ ગત વિધાનસભા ચૂંટણી કરતા પણ વધુ લીડથી પાંચેય વિધાનસભા જીતશે તેવી ખાતરી આપી હતી. જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા ને ભરોસાની ભાજપ સરકાર પર વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતની બે દાયકાની વિકાસ યાત્રાને ઐતિહાસિક બનાવી છે.  કપરાડાના આદિવાસીઓ તેમાં ભાગીદાર બનવાના છે. અને સૌના સાથ અને સહકારથી ગુજરાતમા ફરી એકવાર કમળ ખીલશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોદીની પ્રથમ ચૂંટણીલક્ષી જાહેરસભામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે આવતા પહેલા મોદીએ ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શૉ કર્યો હતો. જ્યારે જનસભા સ્થળે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમાજના આગેવાનોએ મોદીનું સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *