Friday, January 31News That Matters

મોદી સરકારના શાસનમાં દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ થઈ છે, 4 ટ્રીલીયન ડોલરના ઉત્પાદનો એક્સપોર્ટ કર્યા:- કનું દેસાઈ

વાપી GIDC માં એનવાયર્નમેન્ટ ડ્રાઈવ અંતર્ગત પોકેટ ગાર્ડન અને વૃક્ષારોપણ ના કાર્યક્રમના લોકાર્પણ અને ખાતમુહરત ના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો હોવાની વાત કહી હતી. તેમજ અસ્ટોલ પાણી યોજના પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં 500 કરોડની જોગવાઈ સાથે ઉંચા પર્વતો વચ્ચે 10 મીટરના ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરી પાણીની તંગી દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું
શનિવારે વાપી GIDC વિસ્તારમાં ઉદ્યોગોના સહકારથી તૈયાર કરવામાં આવેલા પોકેટ ગાર્ડન અને ગ્રીન સ્પેસમાં વૃક્ષારોપણ કરી વાપીને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથેના કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે પોકેટ ગાર્ડનનું ઉદ્દઘાટન તેમજ ગ્રીનસ્પેસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં અને ગુજરાતમાં GST કલેક્શન વધ્યું છે. અને GST કલેક્શન એ દેશમાં ઉદ્યોગોના થઈ રહેલા વિકાસનું પેરામીટર છે.
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે મોદી સરકારના શાસનમાં દેશના ઉદ્યોગોનો સતત વિકાસ થઈ રહ્યો છે. કોરોના કાળ માં ઉદ્યોગો દ્વારા ભારતમાંથી 4 ટ્રીલીયન ડોલરના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે. જેમાં એકલા ગુજરાતનો ફાળો 25 ટકા એટલે કે 1 ટ્રીલિયનનો છે. આગામી દિવસોમાં પણ દેશના ઉદ્યોગો સતત પ્રગતિ કરતા રહે તેવી પહેલ સરકારની છે. વાપીના ઉદ્યોગો નો પણ દેશના ગ્રોથ એન્જીનમાં મહત્વનો ફાળો રહ્યો છે.
નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વધુમાં હાલમાં પૂર્ણ થયેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંગે જણાવ્યું હતું કે, આ યોજના જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની ભગીરથ યોજના હતી. જેમાં 200 માળ સુધી ઊંચે પાણી લઈ જઈ ત્યાંથી નીચે લાવી લોકોને પીવાનું પાણી પૂરું પાડવાનું હતું. આ યોજના પૂર્ણ થઈ છે. હવે આગામી દિવસોમાં બે પર્વતો વચ્ચે લોકોને કે ખેતીને નુકસાન ના થાય તે મુજબ જમીન એકવાયર કરી 10 મીટરના ડેમ બનાવી પાણી સંગ્રહ કરવાની યોજના છે. જે માટે પ્રથમ તબક્કામાં 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે વલસાડ જિલ્લાની કેટલીક નદીઓમાંથી બારેમાસ વહેતા પાણીને રોકવા અંગે તેમણે જણાવ્યું હતું કે થોડુંઘણું પાણી દરિયામાં ભળવું જરૂરી છે તો જ તે વરાળ રૂપે ઉપર જશે અને વરસાદ રૂપે જમીન પર વરસશે એટલે તે પાણીને રોકવાનો બદલે વહેવા દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને વાપી GIDC માં VGEL અને VIA જેવી સંસ્થાઓ દ્વારા 10 વરસથી વાપીમાં ઓક્સીઝનનું પ્રમાણ જાળવવા અને કાર્બનનું પ્રમાણ ઘટાડવા વૃક્ષારોપણ સહિતના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની સરાહના કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના GIDC ઓમાં કાર્બન ઓછું કરવાના સંકલ્પમાં વાપી જેવી GIDC ના ઉદ્યોગકારો પણ સહકાર આપી રહ્યા હોય, વૃક્ષરોપણ સાથે તેની જાળવણીની જવાબદારી પણ નિભાવતા હોય તે બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *