વલસાડ જિલ્લામાં પોલીસ કેટલી સતર્ક છે. તેમજ ફાયર, આરોગ્ય વિભાગ અને સામાન્ય નાગરિકો કેટલા જાગૃતિ છે. તે અંગે વાપી ST બસ સ્ટેશન ખાતે બસના વર્ક્સશોપ માં સંદિગ્ધ વસ્તુ શોધવાની અને તે માટે દાખવવામાં આવતી સતર્કતા અંગે મૉક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપી ST બસ સ્ટેશન ખાતે મંગળવારે વલસાડ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG), વાપી ટાઉન પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક મૉક ડ્રિલ નું આયોજન કર્યું હતું. જેમાં એક ટીમ દ્વારા બસ સ્ટેશનના વર્ક્સશોપ વિભાગમાં પડેલા ટાયરની આડમાં સંદિગ્ધ વસ્તુ છુપાવી તે બાદ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર, ઇમર્જન્સી હેલ્થ ટીમ, એમ્બ્યુલન્સ ને બોલાવી તમામ તૈયારીઓ સાથે સંદિગ્ધ વસ્તુ શોધવાનો પ્રારંભ કર્યો હતો.
મૉક ડ્રિલ દરમ્યાન સૌ પ્રથમ જેમ અસલી ઘટના દરમ્યાન સ્થાનિક નાગરિકોને બચાવવા સ્થાનિક પોલીસ જે કાર્યવાહી કરે છે. તે મુજબ વાપી ટાઉન પોલીસ ના પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયા પોતાની ટીમ સાથે આવ્યા હતાં. જેઓએ વર્ક્સશોપ માં કામ કરતા કામદારોને બહાર કાઢી સ્થળ ખાલી કરાવ્યું હતું. જે બાદ SOG પોલીસ ઇન્સ્પેકટર વી. બી. બારડ, PSI એલ. જી. રાઠોડ અને LCB ની ટીમને બોલાવી કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી. તેમજ વાપી ડિવિઝનના DYSP શ્રીપાલ શેષમાં ને જાણકારી આપતા તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા જેના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ફાયરને, ઇમર્જન્સી હેલ્થ ટીમને, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી.
બૉમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સંદિગ્ધ ચીજવસ્તુ શોધવા માટેના સાધનો દ્વારા શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન ડોગ સ્ક્વોડ દ્વારા પણ પોલીસ ડોગને શંકાસ્પદ ચીજવસ્તુ શોધવા છુટ્ટો મુક્યો હતો. આ શોધખોળમાં એક ટાયર ની આડમાં સંતાડેલ સંદિગ્ધ ચીજ મળી આવતા બૉમ્બ ડિસ્પોઝલ ટીમે તેને સુરક્ષિત રીતે એક થેલામાં ભરી તેને નિષ્ક્રિય કરવા રવાના થયા હતાં.
આ મૉક ડ્રિલ દરમ્યાન પોલીસ દ્વારા શરૂઆતમાં કોઇ ને કોઈપણ પ્રકારની જાણકારી આપી ના હોય બસ સ્ટેશન ખાતે આવેલા મુસાફરો, ST ડેપોના કર્મચારીઓમાં ઉચાટ જોવા મળ્યો હતો. જો કે આ મૉક ડ્રિલમાં પોલીસની સતર્કતા અને સંકલન જોઈને તમામે પોલીસ જવાનોને અભિનંદન આપ્યા હતા. તેમજ આવી ઘટના દરમ્યાન પોતે સુરક્ષિત રહી શકે છે તેવો એહસાસ કર્યો હતો.