Friday, October 18News That Matters

શાકભાજી માર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ વાપી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCB ને નુકસાન, ચારેક કર્મચારીઓને સામાન્ય ઇજા

વાપીમાં નગરપાલિકા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટીમ પર વેપારીઓએ પથ્થરમારો કરતા 4 જેટલા કર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. JCB ને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલો કરનારા ફરાર થઇ ગયા હોય પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  
વાપીની શાકભાજી માર્કેટમાં 20 મીટર RCC રોડ બનાવવાની કામગીરી માટે સરકારી જમીન પરના દબાણને ખુલ્લું કરવા ગયેલી નગરપાલિકાની ટીમ પર શાકભાજી વેંચતા વેપારીઓએ, ફેરિયાઓએ પથ્થરમારો કર્યો હતો. જેની જાણ વાપી ટાઉન પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે તે સમયમાં પથ્થરમારો કરનાર 15થી વધુ લોકો ફરાર થઈ ગયા હતાં.
ઘટના અંગે વાપી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના બાંધકામ શાખાના ટેક્નિકલ રાજેશ સૂર્યવંશીએ વિગતો આપી હતી કે, વાપી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં 20 મીટરનો RCC રોડ બનાવવાનો હોય, આ રોડ માટે સરકારી જમીન પર દબાણ કરી શાકભાજી વેંચતા વેપારીઓ, ફેરિયાઓને એક મહિનાથી નોટિસ આપી ગેરકાયદેસર શેડ સ્વેચ્છાએ હટાવી દેવા જણાવ્યું હતું. જે બાદ પણ વેપારીઓ તેમના શેડ હટાવતા નહોતા.
જે અંગે કોઈ ઘર્ષણ ના થાય એ માટે બે દિવસથી વેપારીઓ સાથે પાલિકાના સત્તાધીશોએ મિટિંગ કરી સૂચના આપી હતી. જેનું પણ પાલન ના થતા પાલિકાની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી. ત્યારે, શાકભાજી માર્કેટના આગળના 5 જેટલા શેડ JCB અને કર્મચારીઓની મદદથી ઉતારી લેવામાં આવ્યા હતાં. જેમાં એક શેડ ઉત્તમ નામના આદુ મરચાંનો વેપાર કરતા ઉત્તમનો હતો. જે સ્વેચ્છાએ હટાવી લેવાની વાત કર્યા બાદ એક કલાક થઈ ગઈ હોવા છતાં શેડ ઉતારતો નહોતો જે દરમ્યાન પાલિકાની ટીમે લાઈટ કનેક્શન અને શેડને દૂર કરવાની કાર્યવાહી કરતા જ ઉત્તમના ભાઈએ શેડ પર ઉભા રહી JCB ના ડ્રાઇવર પર પથ્થર ફેંક્યો હતો. જે બાદ બંને તરફથી 15થી વધુ લોકોના ટોળાએ બ્લોક અને નાના મોટા પથ્થરનો પથ્થરમારો કર્યો હતો. જેમાં JCB ના ડ્રાઈવરને હાથ, પગના ભાગે તેમજ અન્ય કર્મચારીઓને મોઢા સહિતના ભાગે પથ્થર વાગ્યા હતાં.
પથ્થરમારાની ઘટના બનતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસ પહોંચે તે પહેલાં પથ્થરબાજો ફરાર થઈ ગયા હતાં. પથ્થરમારામાં ચારેક કર્મચારીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે પાલિકાના રાજેશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, આ પ્રિપ્લાન હુમલો હતો. આ લોકો સરકારી જમીન પર જ ધંધો કરવા માંગતા હોય પાલિકા જમીન ખાલી કરાવે નહિ તેવી દહેશત ઉભી કરવા કાવતરું રચી હુમલો કર્યો હતો.
જો કે ઘટના બાદ પોલીસે પાલિકાના કર્મચારીઓના અને અન્ય સ્થાનિક વેપારીઓને નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતોમાં હુમલો કરનાર વ્યક્તિ શેડ પર ચઢી શેડને ઉતારવાની કોશિશ કરતો હતો ત્યારે જ પાલિકાના JCB એ નજીકનો શેડ તોડવા જતા બન્ને શેડ એક સાથે તૂટી પડ્યા હતા. જેમાં સ્વેચ્છાએ શેડ તોડવા ચડેલ યુવકે ગુસ્સે ભરાઈ હાથમાં રહેલ ટૂલ્સ JCB ના ડ્રાઇવર પર ફેંક્યું હતું. જે બાદ બન્ને તરફથી અન્ય વેપારીઓ, ફેરિયાઓએ પથ્થરમારો કરી વાતાવરણ ડહોળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *