દાદરા નગર ક્રાઈમ બ્રાન્ચે નારોલી ખાતે ગેરકાયદેસર ચાલતી ઓઈલ ટ્રાન્સપોર્ટેશન પ્રવૃતિઓનો પર્દાફાશ કરી આરોપી (1) ક્રિષ્ના કાલુ નાગરી, ઉમર 42 વર્ષ R/o. ભસ્તા ફળિયા, સિલ્વાસા (2) ઈશ્વર નાથુજી ચંદેલ, વય 42 વર્ષ R/o. વડ ફળિયા, નરોલી અને (3) કિરણસિંહ જસવંતસિંહ રાજપૂત વય 54 વર્ષ R/o. બ્રાહ્મણપાડા, નંદીગામ, તલવાડા, ગુજરાતની ધરપકડ કરી છે.
પોલીસ ટીમ ઓઈલના ચાલતા આ રેકેટનો પર્દાફાશ કરવા ગઈ ત્યારે, 02 ટેન્કર, 01 ટ્રક, 02 છોટા હાથી, 01 ટાટા યોદ્ધા, 02 મોટર સાયકલ અને 10 ટન લોખંડના સળિયા, તેલના પરિવહન માટે ખાલી ડ્રમથી ભરેલ બે છોટા હાથી, 40,000 લિટર દૂધ ભરેલા બે ટેન્કર, 08 દૂધના કેન સાથે એક ટાટા યોદ્ધા ટેન્કર, પ્લાસ્ટીકના પાઈપ વગેરે મળી આવ્યા હતાં. પરંતુ ઓઇલનો જથ્થો હાથ લાગ્યો નહોતો. જેને લઈને પોલીસ ટીમ વિમાસણમાં મુકાઈ ગઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ, DNH સિલવાસા PI એચ.સી. રાઠોડની આગેવાની હેઠળની પોલીસ ટીમ અને સ્ટાફે નરોલી, વડ ફળિયા ખાતે ગેરકાયદેસર તેલની હેરફેરની પ્રવૃતિઓ પર દરોડો પાડ્યો હતો. જેમાં 2 ટન લોખંડના સળિયાથી ભરેલી એક ટ્રક , તેલના પરિવહન માટે ખાલી ડ્રમથી ભરેલી બે છોટા હાથી 40,000 લિટર દૂધ ભરેલા બે ટેન્કર અને 08 ભરેલા દૂધના ડબ્બા સાથે એક ટાટા યોદ્ધા ટેન્કર, જમીન પર લગભગ 08 ટન લોખંડનો રોડ, પ્લાસ્ટીકના પાઈપો, ઈલેક્ટ્રોનિક વજન કાંટો, ખાલી પ્લાસ્ટિક અને તેલ એકત્ર કરવા માટેના ધાતુના ડ્રમ મળી કુલ મુદ્દામાલ રૂ. 28,60,000 પંચનામા હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ હાથ લાગ્યા નહોતા જેને વધુ તપાસ કરી દબોચી લઈ IPC ની વિવિધ કલમ હેઠળ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પોલીસે ઓઈલના બદલે દૂધ કબ્જે કરતા અને અખબારી યાદીમાં ઓઈલના રેકેટનો પર્દાફાશ કર્યાનો ઉલ્લેખ કરી દૂધ અંગે કોઈ ખુલાસો ના કરતા અનેક તર્ક વિતર્ક લોકોમાં સંભળાય રહ્યા છે.
ઓઈલના ગેરકાયદેસર રેકેટ અંગે DNH અધિકારક્ષેત્રમાં ગુપ્ત ઓઇલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો આ પ્રવૃતિઓ ચલાવતા હોવાની અને તે DNH ના નાગરિકો માટે જોખમી સાબિત થઈ શકે છે. તેવી જાણકારી SDPO/DNH સિદ્ધાર્થ જૈનને મળતા તેની સૂચના અને માર્ગદર્શન હેઠળ આવી પ્રવૃતિઓ ડામવા આદેશ કરવામાં આવ્યો હતો.