દેશના 3 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મેરા બિલ મેરા અધિકાર યોજના લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજનાના પ્રથમ ગણતરીના કલાકોમાં જ 6500 જેટલા ગ્રાહકોએ પોતાના બિલ અપલોડ કરી જબબર પ્રતિસાદ આપ્યો છે. મેરા બિલ મેરા અધિકાર યોજનાનો ગુજરાત રાજ્યના નાણાપ્રધાને વાપીથી શુભારંભ કરાવ્યો છે. આ યોજના થકી ગ્રાહકો GST વાળા બિલ મારફતે 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર જીતી શકશે.
દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનું દેસાઇ, તા. 01/09/2023ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કર્યો હતો.
વાપીમાં વિશાલ માર્ટ, ફોર્ચ્યુન મેગા મૉલ ખાતે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર આયોજિત આ યોજના હેઠળ નાણાપ્રધાન કનું દેસાઈએ વિશાલ મેગા માર્ટમાં ખરીદી કરી હતી. ખરીદીનું બિલ મેરા બિલ મેરા અધિકાર યોજનાની એપ મારફતે અપલોડ કરી યોજનામાં સહભાગી થયા હતાં. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન વન ટેક્સ અભિયાન હેઠળ GST યોજના લાગુ કરી હતી. જેને વધુ શુદ્ધડ બનાવવા અને નાગરિકોને બિલ પ્રત્યે પ્રોત્સાહિત કરવા મેરા બિલ મેરા અધિકાર યોજના અમલમાં મૂકી છે.
યોજના અંગે સુરત GST વિભાગના સંયુક્ત કમિશનર કે. ડી.શુકલ એ જણાવ્યું હતું કે, આ યોજના ગુજરાત સહિત 3 રાજ્ય અને 2 સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. યોજના હેઠળ તમામ માટે માસિક, ત્રિમાસિક બીલના ડ્રો કરી 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 30 કરોડની સંયુક્ત ધનરાશી ફાળવવામાં આવી છે. GST દ્વારા ગ્રાહકોના પ્રાપ્ત તમામ બીલનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે. ગ્રાહકોને જાગૃત કરવા આ માટે વિવિધ માધ્યમ થકી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
આ યોજના હેઠળ GST અંતર્ગત વેરાપાત્ર માલ/સેવાની રૂ. 200/- કે તેથી વધુ રકમની ખરીદીના બિલો માન્ય ગણાશે. બિલની મહત્તમ રકમ નક્કી કરવામા આવેલ નથી. આ યોજનામા ભાગ લેનાર વ્યક્તિ દ્રારા વધુમાં વધુ એક મહિનામા 25 બિલ અપલોડ કરી શકાશે. તા. 01/09/2023 અને ત્યાર પછીના બિલોને જ માન્યતા આપવામાં આવશે તથા માસિક ડ્રો માટે જે તે માસના બિલોને તે પછીના માસની 5 તારીખ સુધી અપલોડ કરી શકાશે. ત્યારે આ યોજનાનો પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગણતરીના કલાકોમાં જ 6500 લોકોએ આ એપ ડાઉનલોડ કરી પોતાના GST વાળા બિલ અપલોડ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકો “મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન તથા ઓનલાઈન વેબ પોર્ટલ
https://uat.merabill.gst.gov.in મારફતે આ યોજનામાાં ભાગ લઇ શકશે. એપલ સ્ટોર અને ગગુલ પ્લેસ્ટોર ઉપરથી “મેરા બિલ મેરા અધિકાર” નામની અપ્લીકેશન સરળતાથી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરી શકશે. આ યોજનાના શુભારંભ પ્રસંગે વાપીમાં GST વિભાગના અધિકારીઓ, વાપી GIDC ના ઉદ્યોગકારો, ભાજપના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.