વાપીમાં કાર્યરત ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના સભ્યોએ પોકેટ મનીમાંથી જાતે તૈયાર કરેલા દિવાઓનું દિવાળી પર્વમાં વેંચાણ લાર્યું હતું. આ દિવા વેચી તેમાંથી મળેલી તમામ રકમની 2 વ્હીલચેર ખરીદી હતી. આ વ્હીલચેરને તેઓએ હોસ્પિટલમાં ડોનેટ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વાપીમાં અનેક સેવાકીય સંસ્થાઓ આરોગ્ય, શૈક્ષણિક અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થતી આવી છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં મોટેભાગે આવી સંસ્થાઓ ઉદ્યોગોમાંથી CSR ફંડ મેળવીને કે દાતાઓ તરફથી દાનની રકમ મેળવીને આ સેવા કરે છે. પરંતુ વાપીમાં કાર્યરત ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના સભ્યોએ દિવાળી દરમ્યાન જાતે તૈયાર કરેલા દિવાઓને વેંચી તેમાંથી મળેલી તમામ રકમની 2 વ્હીલચેર ખરીદી હતી. જે વ્હીલચેરને હોસ્પિટલમાં ડોનેટ કરી છે.
આ સેવાના ઉત્તમ ઉદાહરણ અંગે ખુશી વ્યક્ત કરતા ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના પૂર્વ પ્રેસિડેન્ટ્સ તિથિ પટેલ અને સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓની સંસ્થામાં જોડાયેલ સભ્યો રોટરી જેવી સંસ્થાઓ સાથે મળી વોલેન્ટીયર તરીકે સેવા આપે છે. વોલેન્ટીયર તરીકેની સેવા સાથે તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઇ શકે તેવા ઉદ્દેશ્યથી દિવા બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો હતો. સભ્યોએ પોતાની પોકેટ મનીમાંથી દિવાળી નિમિત્તે દિવા બનાવવાની અને તેને શણગારવાની જરૂરી ચીજવસ્તુઓ ખરીદી મનમોહક દિવા તૈયાર કર્યા હતાં. આ તમામ દીવાઓ રોટેરિયન અને પડોશીઓને વેંચ્યાં હતાં. જેમાંથી મળેલી તમામ રકમમાંથી 2 વ્હીલચેર ખરીદી હતી.
આ વ્હીલચેરને રવિવારે 4 ફેબ્રુઆરીના રોફેલ કોલેજ ખાતે રોટરી કલબ ઓફ વાપી દ્વારા આયોજિત Artificial limb (કૃત્રિમ અંગ) પ્રોજેકટ દરમ્યાન લાવવામાં આવી હતી. જેને હરિયા હોસ્પિટલના મુખ્ય તબીબ એવા ડૉ. એસ.એસ. સિંઘ ને સુપ્રત કરી હતી. આ પ્રસંગે રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ઇન્ટરેક્ટ કલબ ઓફ વાપીના સભ્યોની આ સેવાને બિરદાવી હતી. તમામે આવી જ સેવા અવિરત કરતા રહે તે માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.