વાપી નગરપાલિકામાં સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો સાથે સત્તાપક્ષના સભ્યોએ પણ વિકાસના કામોને લઈ હૈયા વરાળ ઠાલવી વિપક્ષની ભૂમિકા ભજવી હતી.
વાપીમાં વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાના અને કારોબારી સમિતિની મિટિંગો માં લેવાયેલ વિવિધ વિકાસલક્ષી યોજનાઓના નિર્ણયો અંગે બહાલી આપવામાં આવી હતી. જો કે, વાપી પાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ, ભૂગર્ભ ગટર અને નળ કનેક્શન ના કામ અધૂરા હોવા છતાં ટેક્ષમાં વધારો કરી તેની વસુલાત કરવી, લાઈટના પ્રશ્નો સહિત વિવિધ વિકાસના કામો અંગે વિપક્ષ અને સત્તા પક્ષના સભ્યો એ પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓને આડે લીધા હતાં.
સામાન્ય સભામાં વિકાસના કામો, રોડ પરના ખાડા અને ટેક્ષ વધારા અંગે વિરોધ વ્યક્ત કરનાર વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં ટ્રાફિકની અને રોડ પરના ખાડાની સમસ્યાએ લોકો માટે પારાવાર મુશ્કેલી ઉભી છે. જ્યાં ભૂગર્ભ ગટર બની નથી, નલ કનેક્શન નથી તેવા વિસ્તારોમાંથી પણ પાલિકા ટેક્ષ વસૂલી રહી છે. ટેક્ષમાં પણ તોતિંગ વધારો કર્યો છે. રોડ-ગટરના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે. અધિકારીઓ ક્યારેય કામના સ્થળોની મુલાકાત લેતા નથી. પાણીના એક કનેક્શન આપી 40 લોકો પાસે ટેક્ષ વસુલ કરી રહ્યા છે. પ્રમુખ અને અધિકારીઓની આ મનમાંનીથી સત્તા પક્ષના સભ્યો પણ ત્રાહિમામ છે. એટલે આજની સામાન્ય સભામાં સત્તા પક્ષના સભ્યોએ જ વિપક્ષની ભૂમિકા ભજવી સત્તા પક્ષના પ્રમુખની આંખ ઉઘાડતી રજુઆત કરી છે.
તો, સામાન્ય સભા બાદ પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, આજની સામાન્ય સભા એ દરેક સભ્યો માટે વિવિધ વિકાસના કામો અને તેની રજૂઆતો કરી વહીવટી તંત્રને તે તરફ ધ્યાન અપાવવા માટેની હતી. વિપક્ષ અને સત્તા પક્ષતા સભ્યો સાથે હેલ્ધી ડિસ્કશન થયું હતું. માર્ગ પર પડેલા ખાડાઓ, ભૂગર્ભ ગટર, પાણી કનેક્શન લાઈટ સહિતના વિવિધ મુદ્દાઓ પર કરેલી ચર્ચામાં બનતી ત્વરાએ નિરાકરણ લાવવામાં આવશે. તેવી ખાતરી આપી છે. ચોમાસા દરમિયાન પાલિકાના મુખ્ય માર્ગો પર દર વર્ષે ખાડા પડે છે તેવા રસ્તાઓને સીસી રોડ બનાવવા, પેવર બ્લોકના કામ કરવા જેવા વિવિધ મુદ્દાઓ સહિત ગટરના અને નળ જોડાણ સહિત વિકાસલક્ષી અન્ય કામો અંગે ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય સભામાં સત્તા પક્ષના સભ્યો દિલીપ યાદવ સહિત અન્ય સભ્યોએ પણ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. અધિકારીઓની મનમાની, બિલ્ડરોને જાહેર માર્ગ પર મટીરીયલ નાખવાની પરવાનગી આપવી, રેલવે સ્ટેશન નજીક રીક્ષા સ્ટેન્ડ, જાહેર મુતરડી બનાવવી જેવા વિવિધ કામો અને પ્રશ્નો અંગે ઉગ્ર રજુઆત કરી હતી. ઠેર ઠેર વધતી ગંદકી, સાફ સફાઈ, જેવા અનેક મુદ્દે સત્તા પક્ષના સભ્યોએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને પાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.