દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લામાં સવાર 6થી બપોરના 12 સુધીમાં સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તમામ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ સરેરાશ 34 ઇંચથી 38 ઇંચ નોંધાયો છે. તો, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે કપરાડા-ધરમપુર તાલુકામાં કેટલાક કોઝવે પર પાણી ફરી વળતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરી વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણીએ રસ્તાના હાલ બેહાલ કરતા વાહનચાલકો ટ્રાફિક જામ માં ફસાઈ રહ્યા છે. 3 દિવસથી સતત વરસાદી માહોલ હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
આ તરફ સારા વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ 71 મીટરે પહોંચ્યું છે. જેનું રુલ જાળવવા ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદ વરસતો હોય 28160 ક્યુસેક નવા પાણી ની આવક થઈ રહી છે. જેની સામે 6 દરવાજા ખોલી 21840 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
મધુબમ ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયેલ પાણીથી વાપી નજીકનો દમણગંગા વિયર ઓવરફ્લો થઈને વહી રહ્યો છે. નદીના પટમાં નહિ જવા આસપાસના લોકોને તંત્રએ તાકીદ કરી છે. વાપી નજીક દમણગંગા વિયર ખાતે પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લામાં શનિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યામાં તમામ તાલુકામાં સરેરાશ અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જિલ્લામાં તમામ તાલુકા મુજબ સીઝનના કુલ વરસાદની વિગતો જોઈએ તો ઉમરગામ તાલુકામાં 34ઇંચ, કપરાડા તાલુકામાં 38 ઇંચ, ધરમપુર તાલુકામાં 35 ઇંચ, પારડી તાલુકામાં 35 ઇંચ, વલસાડ તાલુકામાં 38 ઇંચ, વાપી તાલુકામાં 37 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 31 ઇંચ જ્યારે દમણમાં 42 ઇંચ જેટલો સિઝનનો કુલ વરસાદ નોંધાયો છે.