Friday, October 18News That Matters

ઉમિયા માતાજીના 504 ફૂટ ઊંચા મંદિર નિર્માણના પ્રચાર પ્રસાર માટે માતાજીનો દિવ્ય રથ 2 દિવસ વાપીમાં કરશે ભ્રમણ

ગુજરાતના પાટીદાર સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ-ગાંધીનગર સરખેજ હાઇવે પર આવેલ હાંસપુર ગામે 100 એકરમાં 1000 કરોડના ખર્ચે 504 ફૂટ ઊંચું ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના પ્રચાર-પ્રસાર માટે ગુજરાતના દરેક જિલ્લા-તાલુકા ગામમાં ભ્રમણ કરી રહેલ ઉમિયા માતાજીનો દિવ્ય રથ પાંચમી અને છઠ્ઠી જૂનના વાપીમાં ભ્રમણ કરશે.

જેના સ્વાગત માટે વાપી દિવ્ય રથ સંચાલક સમિતિ દ્વારા VIA કોન્ફરન્સ હોલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. જેમાં સંચાલક સમિતિના અગ્રણી તેમજ VIA પ્રમુખ સતિષભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ પટેલ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, જૂન 5 અને જૂન 6 ના દિવ્ય રથ વાપી શહેર તેમજ નોટિફાઇડ વિસ્તારમાં ભ્રમણ કરશે. જે સૌ પ્રથમ વાપી નજીક આવેલ ટુકવાડા ગામે અવધ ઉથોપિયા ખાતે આગમન થશે જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન થશે.

જે બાદ દિવ્ય રથ વાપીના ગુંજન વિસ્તારમાં આવશે જ્યાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેમજ માતાજીના મંદિર નિર્માણમાં 64 કરોડનું માતબર દાન આપનાર મૂળ મહેસાણાના નડાસા ગામના અને હાલમાં વાપીના ઉદ્યોગપતિ એવા FCG ગ્રૂપ ના દાનવીર પરિવાર દ્વારા સ્વાગત કરી ભ્રમણ માટે પ્રસ્થાન કરાવવામાં આવશે.

વાપીમાં રથના ભ્રમણ વખતે 150 જેટલી બહેનો એક જ કલરની સાડીમાં સજ્જ થઈ માથે કળશ લઈ રથના વધામણાં કરશે. ઉમિયા માતાજીનો રથ વાપીમાં રોફેલ કોલેજ ગુંજન વિસ્તાર મહેસાણા નગર, સર્કિટ હાઉસ, વાપી કોપરલી રોડ, બલિઠા, ચલા, વાપી ટાઉન વિસ્તારમાં ફરશે. જેનું ઠેરઠેર પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. વાપીમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અંદાજિત 25000 જેટલા પાટીદારો ધંધા રોજગાર માટે સ્થાયી થયા છે. જેઓ માતાજીના દિવ્ય રથના દર્શન કરશે.

બે દિવસના આ દિવ્ય રથના પરિભ્રમણ દરમ્યાન રાત્રીના સમયે મહા આરતી, રાસ ગરબા ઉપરાંત દિવસ દરમ્યાન અઢી હજાર ભક્તો માટે નાસ્તો, મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને ધ્યાને રાખી રથના પરિભ્રમણ દરમ્યાન ક્યાંય ફટાકડા ફોડી પ્રદુષણ ફેલાવવામાં નહિ આવે, ટ્રાફિક સમસ્યા સર્જાય નહિ તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. રથના મુખ્ય રૂટ પર માતાજીના દર્શને આવનાર ભક્તો માટે પાણી, સ્વચ્છતા માટે ડસ્ટબીન સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

વાપીમાં આ દિવ્ય રથ 150 જેટલા ભક્તોના ઘરે જશે. જ્યાં ઉમિયા માતાજીના દર્શન કરી માઇભક્તો તેમની આરતી ઉતારશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ નજીક હાંસપુર ખાતે 1440 પીલ્લર પર નિર્માણ પામનાર માતાજીનું મંદિર 504 ફૂટ ઉંચુ હશે. 100 એકરમાં ફેલાયેલ આ મંદિર પ્રાંગણમાં ધર્મશાળા, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ, હોસ્ટેલ જેવા ભવનો તૈયાર કરવામાં આવશે. 1000 કરોડના ખર્ચે નિર્માણ થનાર મંદિરનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યા બાદ હાલ તેનું ફાઉન્ડેશનનું કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જે માટે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા 700 કરોડ રૂપિયા આસપાસ દાનની સરવાણી વહાવી છે.

પ્રવાસન ક્ષેત્રે આ મંદિર ગુજરાતનું આગવું પ્રવાસન સ્થળ બને તે ઉદેશથી હાલ ગુજરાત ભરમાં તેના દિવ્ય રથનું ભ્રમણ પ્રચાર પ્રસાર માટે કરવામાં આવી રહ્યું છે. વાપીમાં રથના ભ્રમણ દરમ્યાન માઇભક્તો તેના દર્શનનો લ્હાવો ઉઠાવી શકે તે માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ના પાટીદારોની બનેલ દિવ્ય સંચાલક સમિતિ ઉમિયા પરિવાર વાપી દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હોવાનું પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *