વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બલિઠા ખાતે સ્થિત Maruti Suzuki Arena, Amar Cars ના સંચાલકો દ્વારા શૉ-રૂમના બેઝમેન્ટમાં ભરાયેલ પાણીને પમ્પ ના માધ્યમથી હાઇવે પર છોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી વગર પાણીની રેલમછેલ થઈ હતી.
એક તરફ હાલમાં વરસાદને કારણે નેશનલ હાઇવેના રોડ પર મસમોટા ખાડા પડયા છે. ભારે વરસાદમાં નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા 5 કલાક સુધી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે વાપી નજીક બલિઠા ખાતે અમર કાર્સ ના નામે મારુતિ સુઝુકીનો શૉ રૂમ ધરાવતા સંચાલકો એ શૉ રૂમના બેઝમેન્ટમાં ભરાયેલ પાણીને જાહેર માર્ગ પર છોડ્યું હતું. જેને લઈને મુખ્ય માર્ગ પર પાણીની નદી વહી હતી. જેમાં વાહનચાલકો એ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જો કે શૉ રૂમમાં બેઝમેન્ટ નું પાણી જાહેર માર્ગ પર છોડવા બાબતે શૉ રૂમ સંચાલકોએ જણાવ્યુ હતુ કે તેના બેઝમેન્ટમાં ચોમાસા દરમ્યાન 2થી અઢી ફૂટ પાણી ભરાય જાય છે. જેનો નિકાલ કરવો અનિવાર્ય છે. પરન્તુ ત્યાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન કે ગટર લાઇનની કોઈ સુવિધા ના હોય સર્વિસ માટે આવતા વાહનોને પાણી ભરાવાના કારણે કોઈ નુકસાની ના થાય તે માટે બેઝમેન્ટમાં એક મોટર લગાવી તે પાણી નજીકમાંથી પસાર થતા નેશનલ હાઇવે ના સર્વિસ રોડ પર છોડે છે.
તો, જાહેરમાં આ રીતે કોઈ પણ કંપની કે પેઢી દ્વારા પાણી છોડાય કે નહીં તે અંગે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે હાઇવે પર વરસાદી પાણી માટે હાઇવે ઓથોરિટી દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેઇન બનાવવામાં આવી છે. પરંતુ તેમાં ક્યાંય કોઈ પણ સ્થળે નજીકમાં આવેલા એકમો કે પેઢીનું પાણી છોડવામાં આવતું નથી. ત્યારે, બલિઠા ખાતે અમર કાર ના સંચાલકો દ્વારા શૉ રૂમમાં ભરાયેલ પાણી જાહેર માર્ગ પર છોડવામાં આવતું હોય શુ. આ અંગે કોઈ કાર્યવાહી હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવશે કે કેમ તેના પણ અહીંથી પાણીમાં વાહનો લઈને કે પગપાળા જતા નાગરિકો મીટ માંડીને બેઠા છે.
ઉલ્લેખનીય છે કે GPCB ના નિયમો મુજબ કોઈ એકમ તેના ઉદ્યોગોનું ગંદુ પાણી કે વરસાદી પાણી જાહેરમાં છોડી શકતાં નથી. એવું કરવા પર તેમની સામે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પેનલ્ટી વસુલ કરે છે. ત્યારે, હજારો વાહનોથી ધમધમતા નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલા આ કાર શૉ રૂમ ના સંચાલકો દ્વારા છોડવામાં આવેલ અને છોડતા વરસાદી પાણી બાબતે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.