Friday, October 18News That Matters

ગુજરાતના ટ્રાવેલ્સ સંચાલકોએ RT-PCR વિના જઇ શકાય તેવા રાજ્યોમાં કામદારોના ફેરા શરૂ કર્યા

 

વાપી :- ગુજરાતમાંથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જતી આવતી લકઝરી બસોમાં મુસાફરોના RT-PCR રિપોર્ટ વિના આવાગમન પર સરકારે પાબંધી લગાવી છે એટલે ધંધો ઠપ્પ થયો છે. જ્યારે વાપીમાંથી યુપી-બિહાર-મધ્યપ્રદેશના કામદારોનું પલાયન શરૂ થયું છે. આ રાજ્યમાં RT-PCR નો કોઈ નિયમ ના હોય હવે સુરત-વાપીના અને સૌરાષ્ટ્ર-અમદાવાદમાં ટ્રીપ મારતા ખાનગી બસ ચાલકોએ પરપ્રાંતીય કામદારોને ઊંચા ભાડા સાથે તે તરફના ફેરા શરૂ કર્યા છે.

કોરોનાની બીજી લહેરે પરપ્રાંતીય કામદારોને બીજી વાર વતન પરત ફરવા મજબૂર કર્યા છે. જેનો ફાયદો હાલ વાપીમાં ટ્રાવેલ્સ સંચાલકો ઉઠાવી રહ્યા છે. વાપીમાં બલિઠામાં વેસ્ટર્ન હોટેલ, બોમ્બે રેસ્ટોરન્ટ, વાપીમાં હાઇવે પર, પેપીલોન હોટેલ નજીક ગુંજન ચોકડી પરથી મુસાફરો ભરેલી ખાનગી બસોની યુપી-એમપીની ટ્રીપ શરૂ થઈ છે. હાલ વાપીમાં હાઇવેનો હોટેલો પર ખાનગી બસોનો ખડકલો થઈ રહ્યો છે.
આ અંગે ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી મળતી વિગતો મુજબ જે ખાનગી બસો પહેલા મુંબઈ-રાજસ્થાન અને ગુજરાતના જિલ્લાઓમાં ચાલતી હતી. તેમાં સરકારે દરેક મુસાફરોનો કોરોના નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત કર્યો છે. એટલે એ રૂટની બસો બંધ થઈ ગઈ છે. ધંધો ઠપ્પ થઈ ગયો છે.
પરંતુ વાપી-દમણ-સેલવાસમાં ઉદ્યોગોમાં કામ કરતા કામદારોનું વતન સ્થળાંતર થઈ રહ્યું છે. જેઓ માટે વાપીથી યુપી, બિહાર, એમપી જવા માટે એટલી ખાનગી બસોની સગવડ નથી. એટલે એ વિસ્તારની ટ્રીપ શરૂ કરી છે. જો કે આ ટ્રીપમાં તેમને ખોટ જતી હોવાની રાવ કરતા બસ સંચાલકો તગડી કમાણી કરી રહ્યા છે.
પહેલા આ રાજ્યના કામદારો માટે બસમાં 1 સ્લીપર સીટ દીઠ 2500 રૂપિયા ભાડું હતું. હવે એ જ સિંગલ સ્લીપર સીટ માં 2 કે 3 મુસાફરો ભરી એક મુસાફર દીઠ 2000 રૂપિયા વસૂલી રહ્યા છે. એક બસમાં 56 મુસાફરો સામે આવા 90 મુસાફરો ભરી ટ્રીપ મારી રહ્યા છે.
કામદારો પણ પોતાના નાના બાળકો સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વતન જઈ રહ્યા છે. અને તે માટે જે ભાડું માંગે છે તે ચૂકવી રહ્યા છે. કેમ કે કામદારોને ભય છે કે જો લોકડાઉન લાગશે. ઉદ્યોગો બંધ થશે, વાહનો બંધ થશે તો તેઓ તેમના પરિવાર સાથે અહીં જ ફસાઈ જશે. જેનો લાભ હાલ ખાનગી બસ સંચાલકો ઉઠાવી રહ્યા છે.
વાપીમાં છેલ્લા એક સપ્તાહથી રોજની આવી 20થી વધુ ખાનગી બસો યુપી, બિહાર, મધ્યપ્રદેશ કામદારોને લઈને જઈ રહી છે. જે માટે સુરત, રાજકોટ, અમદાવાદના ટ્રાવેલ્સ સંચાલકોએ પોતાની બસ સાથે વાપીમાં ધામાં નાખ્યા છે. આ સંચાલકોને માત્ર તગડી કમાણીમાં રસ છે. એટલે કોરોનાની મહાભયંકર બીમારીમાં પણ સોશ્યલ ડિસ્ટન્સથી માંડીને કોરોનાની તમામ ગાઇડલાઈનના ધજાગરા ઉડાવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *