Sunday, December 22News That Matters

વિરહના દિવસને સેવાનો દિવસ બનાવી દાયમાં પરિવારે વાપીમાં સ્વ. મંજુ દાયમાની 16મી પૂણ્યતિ઼થીએ 435 યુનિટ રક્ત એકત્ર કર્યું…!

વાપી :- વાપીના રાજસ્થાન ભવન ખાતે, રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી, દમણ,સેલવાસ ના સહયોગમાં, વાપીના પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 16મી પૂણ્યતિ઼થી નિમિત્તે દાયમાં પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 435 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવામાં આવ્યું હતું.

વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગમાં દાયમાં પરિવારના બી. કે. દાયમાં દ્વારા છેલ્લા 15 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને રક્તવીર સન્માન સમારોહ નિમિતે ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તનું દાન કરતા કુલ 435 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ વિરહના દિવસને સેવાના અવસરમાં પલટવા અંગે બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે જીવનની સફરમાં અનેક પડાવ આવે છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારમાંથી વાપીમાં આવેલા સ્વ. મંજુ દાયમા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. વર્ષોથી તેમની ઈચ્છા હતી રક્તદાન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે લોકોને જાગૃત કરવા. તેમના નિધન બાદ તેમની 16મી પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર વિદ્યાપીઠ નામની શાળા શરૂ કરવામાં આવી છે. આ અંગ્રેજી માધ્યમની શાળામાં 350 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી મોટાભાગના એવા બાળકો છે જે પિતા વિહોણા છે જેઓ માટે શાળા દ્વારા ની શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. મહિલા સશક્તિકરણ હેઠળ પણ વિવિધ કાર્યો કરી, તેમના જીવનના અધૂરા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

તો રક્તદાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજસ્થાન ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ દાધિચ, રાજસ્થાનના રામગંજ મંડી ના ધારાસભ્ય મદન દિલાવર અને મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહેલા ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દાયમાં પરિવાર સ્વ. મંજુ દાયમાની સ્મૃતિમાં સતત 16 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરી વાપીની હોસ્પિટલમાં દર્દીઓ માટે લોહીની ઘટનું નિરાકરણ લાવતા રહ્યા છે. રક્તની ઘટ નિવારવા રક્તદાન જેવું પુણ્યરૂપી દાનનું કામ વાપીમાં થતું હોય, આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થવાથી નવી ઉર્જા મળે છે. તેમના આ પ્રયાસમાં વાપીની અન્ય સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, ઉદ્યોગોના કર્મચારીઓ, રક્તદાતાઓ સતત મદદરૂપ બની રહ્યા છે. આ સરાહનીય અને સેવાના કાર્ય માટે દાયમાં પરિવાર અને રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ને શુભકામના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે સ્વ. મંજુ દાયમાં વાપી નગરપાલિકાના પૂર્વ નગરસેવિકા હતા. સમાજમાં લોકોને રક્તદાન પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાની નેમ હતી. જેની યાદમાં દર વર્ષે તેની પૂણ્યતિથી નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ 16મી પૂણ્યતિથી હતી. જેમાં દર વર્ષની જેમ 435 યુનિટ આસપાસ રક્ત એક્ત્ર કરવામાં આવ્યું હતું. જે માટે વાપી, દમણ, પારડી, વલસાડ, સેલવાસના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વાપીના VIA પ્રમુખ સતીશ પટેલ, રોટરી, લાયન્સ જેવી સંસ્થાના સભ્યો, ઉદ્યોગકારો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશ દુગગડ, સચિવ દિનેશ દાયમાં, સંયોજક વિજય સરાફ સહિતના હોદ્દેદારોએ તમામનું સ્વાગત કરી રક્તવિરોનું સન્માન કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *