Saturday, February 1News That Matters

મહારાષ્ટ્રના અશોક ધોડી નામના નેતાનો મૃતદેહ ગુજરાતમાં ભિલાડની પથ્થરની ક્વોરીમાંથી મળ્યો, ‘દૃશ્યમ’ ફિલ્મની સ્ટાઇલમાં કારની સાથે અશોક ધોડીનો મૃતદેહ પણ મળી આવ્યો

મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયેલા શિવસેના શિંદે જૂથના નેતા અશોક ધોડીનો મૃતદેહ ગુજરાતના ભિલાડ ખાતે એક અવાવરું અને પાણી ભરેલ 55 ફૂટ ઊંડી ક્વોરીમાં ડૂબેલ કારમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનામાં પાલઘર પોલીસે મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટનાએ દૃશ્યમ ફિલ્મની યાદ અપાવી દીધી છે.

અશોક ધોડી ઘોલવડથી 20 જાન્યુઆરીના ગુમ થયા પછી તેના કુટુંબીઓએ પાલઘર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. અપહરણની આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓએ કબૂલાત કરી હતી કે, તેઓએ અશોક ધોડીની હત્યા કરી તેના મૃતદેહને કારની ડિક્કીમાં નાખી તે કાર ગુજરાતના ભિલાડમાં આવેલ એક ક્વોરીમાં ફેંકી દીધી છે. શુક્રવારે બપોરે પાલઘર SP બાળાસાહેબ પાટીલ તેમની ટીમ સાથે ભિલાડમાં માહલા ફળિયામાં આવેલ ક્વોરી પર આવ્યાં હતાં. અહીં 2 હાઈવા ક્રેન મંગાવી પાણીની અંદર 55 ફૂટ નીચેથી કાર ને બહાર કાઢી હતી. જે કારની ડિક્કીમાંથી અશોક ધોડી નો મૃતદેહ મળી આવ્યો હતો.

(મૃતકની ફાઇલ તસવીર)

દૃશ્યમ’ ફિલ્મની સ્ટાઈલમાં ગુનો કરી, તેને છુપાવવાના પ્રયાસ સાથે કરાયેલ આ હત્યા પ્રકરણમાં પોલીસે બંધ પડેલી અવાવરું પથ્થરની ખાણમાંથી ‘દૃશ્યમ’ ફિલ્મની સ્ટાઇલમાં કાર બહાર કાઢી હતી. જો કે, આ દૃશ્યમમાં કારની સાથે અશોક ઘોડીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.

20 જાન્યુઆરીના ગુમ થયેલા શિવસેનાના નેતાનો મૃતદેહ 31મી જાન્યુઆરીના ગુજરાતના ભિલાડ ખાતે કારમાંથી મળ્યો હતો. જે અંગે SP બાળા સાહેબ પાટીલે જણાવ્યું હતું કે, જે કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તેના મોઢા પર પ્લાસ્ટિકની પટ્ટી બાંધેલી છે. કારમાંથી જ એક બેગ, જેકેટ, ઈયરફોન મળી આવ્યાં છે. પકડાયેલ આરોપીઓના જણાવ્યા મુજબ અશોક ધોડીની હત્યા તેના સગા ભાઈ એવા અવિનાશ ધોડીના ઈશારે કરવામાં આવી છે. હાલ એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક અશોક ધોડીની પુત્ર, પત્ની અને માતાએ સમગ્ર કેસમાં તલસ્પર્શી તપાસની માંગ કરી છે. મૃતક અશોક ધોડી શિવસેના શિંદે જૂથના હોદ્દેદાર હતાં. પરિવારનો આક્ષેપ છે કે, એમના ભાઈ અવિનાશ સાથે તેમને ધંધાકીય અણબનાવ હતો. અવિનાશ વિરુદ્ધ દારૂની હેરાફેરીના કેસ થયા છે. તે દમણ, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ની હેરાફેરીમાં સંકળાયેલ છે. અને આ હત્યા આવી જ અદાવતમાં કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *