મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં જન્મેલી મહિલાઓ માટે લાડલી બહેન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે યોજનાનો લાભ મહારાષ્ટ્રની બહેનો પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી લઈ શકશે. ત્યારે હાલમાં સોશ્યલ મિડિયામાં લાડલી બહેન યોજના અંગે ઉભી થયેલી ગેરસમજનાં કારણે સંઘપ્રદેશ દમણમાં વસતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ યોજનાનો લાભ લેવા પોસ્ટ ઓફિસ ખાતે આવી ખાતું ખોલાવવાના આશય સાથે સવારથી લાંબી લાઈનની કતારમાં ઉભેલી જોવા મળી રહી છે.
પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા વારંવાર અન્ય રાજ્યની મહિલાઓ જેઓ આ યોજનાનો લાભ લેવા માટે ખાતું ખોલાવવા આવી રહી છે. તેમને સમજાવ્યા પછી પણ રોજે રોજ મહિલાઓની સંખ્યા વધતાં હવે દમણ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ કંટાળી ગયા છે.
ત્યારે આજરોજ પણ મહિલાઓની લાંબી લાઈન પોસ્ટ ઓફિસ બહાર જોવા મળતા દમણ નગર પાલિકાના પ્રમુખ અસ્પીભાઈ દમણિયા પોસ્ટ ઓફિસ ખાતે આવી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર ઉમેશ માહ્યાવંશી સાથે લાઈનમાં ઉભેલી અન્ય રાજ્યની મહિલાઓને જરૂરી જાણકારી આપી તેમને આ યોજનાનો લાભ અન્ય રાજ્યની મહિલાઓને નહીં મળે તેવી જાણકારી પુરી પાડી હતી.
ફક્ત મહારાષ્ટ્રમાં જન્મેલી મહિલાઓ જેમની પાસે જન્મનું પ્રમાણપત્ર, ડોમિશાઈલ સર્ટીફીકેટ કે પછી અન્ય પુરાવા હોય તેવી મહિલાઓ ને જ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવા અને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.