Saturday, December 21News That Matters

લોકસભા ચૂંટણી-2024 :- વલસાડ એન્જીનીયરીંગ કોલેજમાં 4 જૂને EVMના 1352413 અને પોસ્ટલ બેલેટના 10243 મતોની થશે મત ગણતરી

લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત 26 વલસાડ બેઠક પર ગત તા. 7 મે ના રોજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 72.71 ટકા મતદાન થયુ હતું. જે મતોની ગણતરી આગામી તા. 4 જૂનના રોજ સવારે 8 કલાકથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત હેઠળ થનાર છે.

ત્યારે આ સંદર્ભે શુક્રવારે વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહના અધ્યક્ષસ્થાને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ સાથે પ્રેસ બ્રિફીંગ અંગે બેઠક મળી હતી. વલસાડ બેઠક પર તા. 4 જૂનના રોજ થનારી મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

26- વલસાડ બેઠક પર 178- ધરમપુર (અ.જ.જા.), 179- વલસાડ, 180- પારડી, 181- કપરાડા (અ.જ.જા.), 182- ઉમરગામ (અ.જ.જા.), 173- ડાંગ (અ.જ.જા.) અને 177- વાંસદા (અ.જ.જા.) મળી કુલ – 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ઈવીએમના 1352413 મતોની ગણતરી હાથ ધરાશે. જેમાં એક ટેબલ દીઠ 1- માઈક્રોઓબ્ઝર્વર, 1-કાઉન્ટીંગ સુપરવાઈઝર અને 1- આસિસ્ટન્ટ સુપરવાઈઝર રહેશે. કુલ – 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એક સાથે મતગણતરી હાથ ધરાશે. જ્યારે 22 ટેબલ પર 10243 પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે.

એક ટેબલ પર 500 પોસ્ટલ મતની ગણતરી થશે. પોસ્ટલ બેલેટ મતગણતરી માટે એક કાઉન્ટિંગ સુપરવાઈઝર, બે મદદનીશ સુપરવાઈઝર, એક માઈક્રો ઓર્બ્ઝવર અને એક એડિશન એઆરઓ પોતાની કામગીરી સુપેરે બજાવશે.

પ્રેસ બ્રિફિંગને સંબોધતા વલસાડ જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- કલેકટર આયુષ ઓક અને જનરલ ઓર્બ્ઝવર તરણપ્રકાશ સિંહા અને કાઉન્ટિંગ ઓર્બ્ઝવર કબિન્દર શાહુની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. જે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ધરમપુર બેઠકના 278 મતદાન મથકોની મતગણતરી અંદાજે 20 રાઉન્ડ, વલસાડના 266 મતદાન મથકોની અંદાજે 19 રાઉન્ડ, પારડીના 246 પોલિંગ સ્ટેશનની અંદાજે 18 રાઉન્ડ, કપરાડાના 298 મતદાન મથકોની અંદાજે 21 રાઉન્ડ, 181- ઉમરગામના 271 મતદાન મથકોની અંદાજે 19 રાઉન્ડ, ડાંગના 329 મતદાન મથકોની અંદાજે 24 રાઉન્ડ અને વાંસદાના 321 મતદાન મથકોની અંદાજે 23 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે.

મતગણતરીના સૌથી વધુ રાઉન્ડ ડાંગ અને સૌથી ઓછા રાઉન્ડ પારડી વિધાનસભા બેઠક પર થશે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું કે, એક વિધાનસભા દીઠ વીવીપેટના પાંચ મતની ગણતરી કરાશે. સવારે પાંચ કલાકે ઓર્બ્ઝવરશ્રીઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન થશે.

મતગણતરીના કવરેજ માટે મીડિયા કર્મીઓ માટે પાર્કિગ અને બે મીડિયા સેન્ટરમાં મત ગણતરીના પ્રસારણ અંગે કરાયેલી વ્યવસ્થાઓથી સૌ મીડિયા કર્મીઓને વાકેફ કરાયા હતા. બેઠકમાં જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *