વલસાડ શહેરમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત રાતમાં વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોગરવાડી માં એક સામટા 5 સ્થળે તાળા તૂટયા હતા. ચોરીની આ ઘટનામાં એક ઘરનાં CCTV પણ વાયરલ થયા હતાં. જેમાં 3 ચોર બિન્દાસ્ત એક ઘરમાં પ્રવેશ કરી 1.50 લાખની મતાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતાં.
આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ શહેરના સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોગરાવાડીના ગૌરી નગરના બે મકાનોમાં, નાથુભાઇ કોમ્પલેક્ષ, મગન કાકાની વાડી, રેલ્વે ગટર લાઇન એમ કુલ પાંચ મકાનોમા એકજ રાત્રે બંધ ઘરોનાં તાળા તોડી ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ચેલેન્જ ફેંકી હતી.
ચોર ટોળકીની તસ્કરી કરતી ઘટના એક કોમ્પ્લેક્સ માં રાખવામાં આવેલ સીસીટીવી માં કેદ થઈ હતી. જેમાં 3 ચોર એક બંધ મકાનના મુખ્ય ગેટને કૂદી પેસેજમાં પ્રવેશ કરે છે. જે બાદ એક ચોર ગેટ પાસે નીચે બેસીને અવતાજતા લોકો પર નજર રાખે છે. જ્યારે 2 ચોર વિવિધ ઓઝારોની થેલીમાંથી ઓઝારો કાઢી દરવાજાનું તાળું તોડે છે. આ દરમ્યાન મુખ્ય માર્ગ પરથી પસાર થતા લારીવાળાઓ, ટેમ્પો ચાલકો, પગપાળા કે વાહનો લઈ જતા નાગરિકોને જોઈને ત્રણેય ચોર બંધ મકાનમાં પડેલ સ્કુટરની આડ માં સંતાઈ જાય છે અને અવરજવર બંધ થતાં ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરે છે. અને ચોરીને અંજામ આપે છે.
ચોરીની આ ઘટનાઓમાં ત્રણ ચોરના કરતૂતો સીસીટીવી માં કેદ થયા બાદ અને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વલસાડ સીટી પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.